Gujarati Quote in Motivational by બાબા સત્સંગી

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રણનું ઊંટ

સૂકા અને વેરાન રણપ્રદેશમાં એક ઊંટ રહેતું હતું.
જ્યાં જ્યાં નજર પહોંચે ત્યાં સુધી બસ રેતી અને ઝાંખરાં.
બીજાં કોઈ મોટાં જનાવર મળે નહીં. એટલે જ્યાં જ્યાં આ ઊંટ જાય ત્યાં સૌ આ ઊંટ પ્રત્યે અહોભાવથી જુએ.
ઊંટ પણ એના "શરીર"ની ઊંચાઈને લીધે મળતા માનપાનથી પોરસાતું, અને પૂરા પ્રદેશમાં આનંદથી આમતેમ ફરતું રહેતું.
એકવાર ઉત્તરદેશમાં એ ચાલતું ચાલતું ખૂબ આગળ વધી ગયું.
ક્યાંક ક્યાંક મોટાં જનાવર જોવા મળ્યાં, પણ એના વિસ્મય વચ્ચે, ખૂબ દૂર, આકાશમાં કંઇક વિશેષ ઊંચાઈ જેવું જણાયું.
શરૂમાં તો એને લાગ્યું કે મને ભ્રમ થયો છે.
મારાથી ઊંચું તે કોઈ હોઈ શકે ભલા?!
પણ વળી થયું કે લાવને થોડું આગળ ચાલું. જોઈ તો જોઉં કે આકાશમાં "આભાસી" જેવું લાગતું આ છે શું?
ઊંટે તો ઝડપ કરી. ઉત્તર દિશામાં મુખ કરીને ચાલવા જ માંડ્યું.
અને એના વિસ્મય વચ્ચે મોડી રાતે એ છેક હિમાલયની તળેટીમાં આવી પહોંચ્યું.
સવાર થયું, સૂરજ ઊગ્યો, અને એણે આકાશને આંબતો હિમાલય દીઠો !!
ઊંટ બિચારું હેબતાઈ ગયું. વિરાન રણમાં તેના શરીરની ઊંચાઈને લીધે મળેલી શ્રેષ્ઠતા ઓગળી ગઈ. અહીં કોઈ તેને અહોભાવથી જોતું ન્હોતું. સૌ કોઈ ઉત્તુંગ ગિરિમાળાને જોઈ વંદન કરતાં હતાં. ઊંટને માનપાન અને આદર સત્કારની વાત તો ઠીક, કોઈ તેના સામું પણ જોતું ન્હોતું.
ઊંટને તો જીવવું વસમું થઈ પડ્યું. નિત ઊઠીને આદર સત્કાર પામતું આ ઊંટ "ઊંચાઈ" બાબતનું સત્ય પચાવી ના શક્યું.

પણ ભલે એ ઊંટ હતું, પણ સાવ ભોટ ન્હોતું.
તેણે એક ઘડી પણ બગડ્યા વગર 180 ડીગ્રીનો ટર્ન લીધો અને વીજળી વેગે પાછું ભાગ્યું, એની સત્કાર સંવર્ધન ભૂમિ તરફ કે જ્યાં એના સિવાય બીજું કોઈ ઊંચું "દેખાતું" ન્હોતું.
પૂંઠવાળીને પાછળ નજર પણ ના કરી !
ફરી પાછું એ અફાટ રણમાં આવી પહોંચ્યું.
ફરી પાછાં રણનાં નાનાંનાનાં જીવજંતુ ઊંટનો આદર સત્કાર કરવા લાગ્યાં, અને ઊંટનાં ગુણગાન શરૂ થયાં.
ઊંટને હાશકારો થયો. જીવન કંઇક જીવવા જેવું લાગ્યું, અને ઊંટ જીવી ગયું !

હજુયે જીવે છે !!

(કોઈએ કંઇ પ્રાપ્ત કરવું હોય તો તેનાથી વિશેષ ઊંચાઈવાળાની સંમુખ થવું જોઈએ, નહીં કે એની વિમુખ)

બળદેવના જય ગુરુ મહારાજ.

Gujarati Motivational by બાબા સત્સંગી : 111347316
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now