રાત આંખોમાં ઉગી, લંબાઈ ગઈ,
*બા* ગઈ ને વારતા વિખરાઈ ગઈ.
આબરુ ઘરની પછી ઢંકાઈ ગઈ
બાપુજી થઈ *બા* બધે ફેલાઈ ગઈ
સૌને ભેગા રાખવાની જીદમાં,
સૌમાં થોડી થોડી *બા* વહેંચાઈ ગઈ.
મારું પહેરણ આખું હોવું જોઈએ,
*બાની* સાડી થીંગડે વીંટાઈ ગઈ.
છાપરું લઈને સમય ચાલ્યો ગયો,
*બા* છબી થઈ ભીંતમાં મૂકાઈ ગઈ.
*બા* મને તુંકારથી બોલાવતી,
*બા* જતાં મોટાઈ પણ રોપાઈ ગઈ.
વિષ્ણુ તારો શંખ બા ક્યાંથી ફૂંકે?
*બાની* ફૂંકો ચૂલા પર વપરાઇ ગઈ.
*બા* તો કેવળ જિંદગી જીવતી હતી,
ને મને એમાં ગીતા સમજાઈ ગઈ.
એક સરખી *બા* બધાંની જોંઉ છું,
એમ લાગે દિવ્યતા પથરાઈ ગઈ.
હુંય ઈશ્વરને ભજી લઉ છું હવે,
*બા* ગઈ ને બંદગી બદલાઈ ગઈ ..!!