આ કુદરત ને હગ કરવું છે મારે
બાથમાં આ જગ હરવું છે મારે
રાગ દ્વેષ દુરબુદ્ધિ સામે ડોળા કાઢી
સુખ શાંતીનું ઓઢણ ઢાંકવું છે મારે
છોને ઈર્ષા કરે લુચ્ચી અદેખાઈ મારે શું
મારે તો માનવજાતને વ્હાલ કરવું છે
આ ઝરણાં પર્વત દરિયા જંગલમાં
જાત ભૂલી મારે હવે વિસરવું છે
ધર્મનામે લોહીની લથપથ નદીઓમાં
ઇન્સાન થઈ મારે નીતરવુ છે
એ ઊંચી ઊંચી ઇમારતોની પાસેના ઝૂંપડે
વસતા માંદા ભૂખ્યા બાળકને રમાડવું છે
"મેડમ ઓર્ડર" કહેતા છોટુનો જીમેંદારીનો
થેલો મારે ચોરી લઈ દફતર એને દેવું છે
ગટરે ગંધાતા નવજાત ફૂલને બહાર કાઢી
બે ક્ષણની વાસનાના ફળને છોડાવવું છે
અબળા થઈ ડામ સહતી અકારણ લાચારને
રણચંડી કાળકાનું ત્રિશુલ હાથમાં ધરવું છે..
બારોબાર ભરાતા અનાજના ગોડાઉન વચ્ચે
દિ'આથમે માયુસ ચૂલાને બે પાલી અન્ન દેવું છે
ઇન્સાન ઇન્સાનનો હાથ ઝાલે જો આજ
મારેય ખુદા તને માનવ થવા ટીપ દેવી છે
દારૂડિયાના હાથે હણાઈ દહેજે તાણતી
કોડભરીને ઉગારવા રસ્તો બનવું છે
"પરિવાર રાહ જુવે છે" રેકોર્ડ કરી ચિપ
દરેક વાહનમાં સતત વગાડવી છે.
"પપ્પા..સાંજે ઢીંગલી લાવશો ને?"
મજબુર બાપને જિન થઈ રમકડું દેવું છે
"તારી રાહ છે દીકરા" ઘરડી માના કાગળમાં
ઢાલ બખ્તર કવચ વીરજવાનનું થવું છે
કુદરત મારે તનેય હગ કરવું છે
બદલામાં ઇન્સાન સાચા થવું છે
મારે તનેય હગ કરવું છે
માનસી પટેલ"માહી"