♨♨♨♨♨♨♨♨♨♨♨
*હું તો ગરીબની ખીચડી*
*‘સુરત’માં* ક્યાં ભૂલી પડી!”
“અરે..,હું ક્યાં ને બત્રીસ પકવાન ક્યાં
ફક્ત મુઠ્ઠી એક મારી હસ્તી.
હું તો માંદા માણસની થાળીમાં જ શોભું.
વળી,ડોસાને મસાણે મૂકીને પાછા વળેલ ડાઘુઓ રકાબી ચા પીવે પછી હું જ લાકડાં પર ચઢું.
મરણ ને માંદગી જ કેમ?
અમુક ઘરમાં તો હું રોજ સાંજે ચૂલે ચઢું.
સૂરજ ડૂબ્યો નથી ને મારો ડબ્બો ખૂલ્યો નથી!
અમુક ઘેર દર બુધવારે કૂકરની વ્હિસલ વગાડું.
કોઈને મહિને એક-બે વાર ભાવું
તો કોઈવાર રાંધવાની આળસને ભગાડું!
કોઈની વહુ પિયર ગઈ હોય ત્યારે તો મારા ‘ઓન’ બોલાય!
એક બાજુ મગ-ચોખા, હળદર, તજ-લવિંગ-કાળાં મરી ને બીજી બાજુ કઢીમાંથી બહાર ડોકાતો મીઠો લીમડો મારો સીધો સાદો પરિવાર.
કો’ક મને ઘીથી નવરાવે તો કો’ક અથાણું ઉમેરે.
કો’કની આંગળીઓ ચમચી થઈને મને વ્હાલથી લસોટે તો કો’ક ચમચીનું ‘એટીકેટ’ શીખવે.
દાંત ન હોય તો શું થયું? મને કોઈ ચાવે તો ય ઠીક,ન ચાવે તોય ઠીક.
હું ફટ કરતીક ને ગળે ય ઉતરી જાઉં,પટ પચી જાઉં.હા, પણ મને ખીજ ચઢે ત્યારે કોઈ ઉતાવળીયાની દાઢે વળગું.
સ્ટીલની થાળી તો હવે આવી,
પિત્તળની થાળી ઈર્ષા થી બોલે...
‘તને ગોલ્ડન યેલો રૂપ આપીને ભગવાને હાથ ધોઈ નાખ્યા છે,
ટચ વૂડ!’
હું ઢીલી-ઢીલી પીરસાઈ હોઉં
ત્યારે મારી વાહ વાહ થાય પણ જે દિ’ પાણી ઓછું પડે તે દિ’ ઢેફાંની જેમ ભંગાઉં.
હું આગલે દિ’ વધી હોઉં તો
બીજે દિ’ નવી નવી રેસિપીથી ભૂખ્યાને રાજી કરું.
મને દેશ-કાળનું કોઈ બંધન નહિ.
આજે હું *સ્યાદલા ના સરપંચના* ઘરમાં હોઉં ને કાલે મુંબઈમાં અંબાણીની ચાંદીની થાળીમાં.ન્યુ જર્સીમાં પીરસાઉં
ને વેમ્બલીમાં ઓરાઉં. જેવો હિમાચલ પ્રદેશમાં ‘માનીકરણ’
ગુરુદ્વારાનો ભંડારો એવો હું
જલારામ કે બગદાણા નો પ્રસાદ.
મારી ને કઢીની જુગતે જોડી!
દૂધપાક કે ચુરમા લાડુ અમારી પાસે પાણી ભરે!
ક્યાંક તો મારી આગવી ઓળખાણ પણ ખરી,
‘આચાર્ય ખીચડી’ હા, તરેહ તરેહના હૈદરાબાદી કે કાશ્મિરી પુલાવ-બિરયાની મને હાજી-હા કરે ઈ નક્કી.
આમ ને આમ હું મારાં વખાણથી ફુલાણી ને ‘વિશાલા’ અને ‘રજવાડું’ જેવા કૃત્રિમ કાઠિયાવાડમાં ફસાણી.
પાછા મને પૌષ્ટિક બનાવવા ફોતરાં સોતી રાંધે.
કો’ક તો મારી ‘પેટન્ટ’ કઢાવવાની વાતો પણ કરે.
ઘાંટા પાડી પાડીને પીરસે.
હું તો મૂંગા મોઢે ખવાંઉં
તો જ મીઠી લાગું.
હું કઈ મિષ્ટાન્ન થોડી છું? ધોળિયા મહેમાનો મને ખાય ન ખાય ને ખોટેખોટાં મારાં વખાણ કરે.
પ્લીઝ,
મને કો’ક આઠસો રૂપિયાવાળી થાળીમાંથી બહાર કાઢો.
મને માંદાને સાજા કરવા દ્યો,
કોઈ ગરીબની ભૂખ ભાંગવા દ્યો,
કોઈ મંદિરના રસોડે પીરસાવા દ્યો,
મને *નાવડા* ગામના ખેડૂતના ભાથામાં બાંધો,
પોરબંદરના ખારવાની હાંડીમાં પકાવો.
ખરું કહું છું, અંગૂઠે ઘસાઇને મારે થાળીમાં સફાચટ થવું છે.”
મારે બસ ગરીબની ખીચઙી જ થઈને રહેવુૃ છે...
♨♨♨♨♨♨♨♨♨♨♨