વહેલી સવારે ગાંધીનગરની સડકો ઉપર ગાડી લઈને નીકળી પડી હોઉં, સરિતાઉદ્યાન બાજુના પાછલા રોડ ઉપર જ્યાં ટ્રાફિક ઓછો હોય, રોડની એક બાજુએ મસ્ત જંગલ ડોકિયા કરતું હોય, વારે વારે મોર અને નીલગાય ફરતા દેખાઈ જતા હોય... સવારનો સૂરજ એની ઊંઘ પૂરી કરીને હવે બહાર નીકળવા ડોકિયું કરી રહ્યો હોય અને એના કેસરી સોનેરી કિરણો જોઈ મને મસ્તી સૂઝે...
હું ગાડીના ગ્લાસ જરાક નીચે કરી લઉં છું, બહારની ઠંડા પવનની લહેરખી તરત અંદર દોડી આવે છે અને મને ધ્રુજાવી જાય છે! ઠંડીનો ચમકારો મારા જાડા જેકેટની અંદર પણ અનુભવાય છે, હું એ ઠંડીને આવકારું છું! એ શીત લહેર મને ગમે છે, બિલકુલ એવી જ રીતે જેમ ધખધખતી બપોરના સૂરજ નીચે શેકાવાની મજા લીધેલી એ પણ રાજસ્થાનની રણની માટી વચ્ચે!
બહારનું ધુમ્મસ એનો ધુમાડો ગાડીમાં ફેલાવે છે, થોડીક જ ક્ષણો વિતે છે અને ગાડીના આગળના ગ્લાસ ઉપર એ ધુમાડો બેસીને જાણે એનો થાક ઉતારતો હોય એમ પાણીના નાના નાના ફોરાં રૂપે જામવા લાગે છે, આગળનો રસ્તો જોવામાં મને તકલીફ પડે છે અને હું ગાડીની સ્પીડ ઘટાડી એને સાઈડમાં લઈ લઉં છું, ઉતાવળ હોય એને માટે રસ્તો ખુલ્લો કરી આપુ છું...ગ્લાસ પર જામેલા એ ફોગમાં મને એક ચિત્ર દેખાય છે... ના..ના..ચિત્ર નહિ એક ફિલ્મ જ દેખાઈ રહી છે, ફિલ્મી ગીત! હું ધ્યાનથી એને જોવું છું હવે અવાજ પણ સંભળાઈ રહ્યો છે...
વરસાદ વરસી રહ્યો છે, રસ્તા વચ્ચે ગાડી ઊભી રહે છે અને એક છોકરી એમાંથી બહાર આવી એ વરસાદમાં ભીંજાવા લાગે છે, એના બે હાથ ફેલાવી જાણે કુદરતને આલિંગન આપે છે અને વરસાદને એના રૂપકડા ચહેરા પર ઝીલી રહી છે, હસી રહી છે, થોડું થોડું નાચી રહી છે...
ગીત ગાઈ રહી છે,
બહતા હે મન કહી
કહા જાનતી નહીં
કોઈ રોક લે યહીં
ભાગે રે મન કહીં, આગે રે મન
ચલા જાને કિધર જાનું ના...
રસ્તાની કિનારે ગાડી ઉભી રાખી હું કુદરતને માણી લઉં છું, જે દૃશ્ય મનની આંખોએ જોયું એના જેવું જ કંઈ હું મારી વાર્તાની હિરોઈન પાસે કરાવી લઉં છું...બધું જાતે ના કરાય...આમેય હું બહુ શરમાળ છું 🥰
નિયતીના જય શ્રીકૃષ્ણ 🙏