હે સન્નારીઓ...
હે માતાઓ...
હે જન્મદાત્રીઓ,
શેની રાહ જુઓ છો? વધુ એક બળાત્કારની? વધુ એક જિંદગી પીંખાય એની? હું જાણું છું કે જ્યારે જ્યારે બળાત્કારની ઘટના બને છે ત્યારે ત્યારે સંસારની તમામ સ્ત્રીના મન પર એના ઉઝરડા પડે છે. ક્યાં સુધી જાતને બળાત્કારીઓનાં હાથોમાં મુકશો? કાયદો ન્યાય કરશે એની રાહે છો? ધર્મગુરુઓ આવા નરાધમોના વિચારો બદલશે એ અપેક્ષાએ છો? માનશાસ્ત્રીઓ આવા નપુંસકોને સુધારશે એવા આશાવાદે છો? તો તમે ભૂલ કરો છો. હવે બધું જ તમારા હાથમાં છે. એક સ્ત્રી બાળકી રૂપે અવતરે છે ત્યારથી વૃદ્ધ થાય ત્યાં સુધીમાં હજારો વખત બળાત્કારનો ભોગ બને છે. કોઈ નજરથી તો કોઈ શબ્દોથી, કોઈ ગેરવર્તણૂકથી તો કોઈ એના પર ઢાંકપિછોડો કરીને સદીઓથી બળાત્કાર કરતું રહ્યું છે. સમાજમાં આવી હલકી મનોવૃત્તિ અને વિકૃત રાક્ષસોથી લઈને કુટુંબીજનો અને પતિ સહિતના કેટકેટલાય પુરુષો થકી બળાત્કારનો ભોગ કઈ સ્ત્રી નથી બની? હું તો બધીજ પીડાઓ લઈને જઇ રહી છું પરંતુ તમે સર્વે જે આવી પીડાઓ પછી પણ જીવી રહી છો એક ભયના ઓથાર તળે-એક અસુરક્ષાના કુંડાળામાં, એમાંથી નીકળો. રસ્તો તમારાજ હાથમાં છે. તમે દિલથી ઈચ્છો છો કે બળાત્કાર ખતમ થાય? તમે ઇચ્છો છો કે તમે બળાત્કારનો ભોગ ન બનો? તો...
હે માતાઓ, એક પ્રણ આજે તમે લો કે આજ પછી તમારી કુખે દીકરીને જન્મ નહિ આપો. સમગ્ર નારીશક્તિ બળાત્કાર સામે યુદ્ધે ચડો કારણ કે હવે સમય પાકી ગયો છે. આવી એકાદ ઘટના સ્ત્રી જાતિને માનસિક અપાહીજ બનાવીને જીવવા મજબુર કરે એ પહેલાં તમે જાગો.
- પ્રિયંકા- એક 'બચેલી પઢેલી' બેટીનો અંતરનાદ.??
-નીતા સોજીત્રા.