“કીટી પાર્ટી”
"જીજ્ઞા, આજે શું પહેરવાની છે ?" પ્રજ્ઞા.
"સાડી." જીજ્ઞા.
"કેમ સાડી ?"
"આજે કીટી ની થીમ છે, તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં. એટલે હું આજે દયા બનવાની છું. તું ?"
"હું તો આજે રોશન બનવાની છું એટલે ફ્રોક પેરીશ, બાવા."
"હે બા, માતાજી."
"ઓ ખોડાય."
બેઉ ખડખડાટ હસવા લાગી.
વાત એમ હતી કે આજે એમના સહેલી ગ્રુપ ની કીટી પાર્ટી હતી અને બધી સહેલીઓ થીમ ના ડ્રેસ કોડ પ્રમાણે સજી ને ફસ્ટ પ્રાઇસ માટે તડામાર તૈયારીઓ કરી રહી હતી.
તેઓ કોઈ પણ એક મેમ્બર ના ઘરે, ચિઠ્ઠી ડ્રો પ્રમાણે, મહિના માં એક વાર કીટી પાર્ટી કરતા અને જે પણ પાર્ટી થીમ હોય એ પ્રમાણે ગેટઅપ થી પાર્ટી ને મનોરંજક બનાવતાં. આજે પાર્ટી આશાબેન ના ઘરે હતી. આશાબેન ગ્રુપ માં સૌથી સિનિયર મેમ્બર અને સાથે સાથે સૌથી પૈસાદાર પણ હતાં.
આજે એમના બંગલે જવાનું હતું. એટલે સૌ સહેલીઓ ઉત્સાહિત હતી. આશાબેન પોતે માધવી બનવાનાં હતાં અને એ વાત એમણે ખાનગી માં ફેલાવી દીધી હતી એટલે બીજું કોઈ માધવી ના બને આજે.
અને સાચે પાર્ટી શાનદાર હતી પણ..........
પણ........... શું................
પણ મોટા ભાગ ની સહેલીઓ બબીતા બની ને આવી હતી.
પાર્ટી બબીતાઓ, દયાઓ અને રોશનો થી ઉભરાઈ ગઈ. ફક્ત એક માધવી અને એક કોમલ અને એક સોનુ હતાં.
આ આખી પાર્ટી ની સરભરા માટે એક છોકરી હતી. એ હતી આશાબેન ની કામવાળી ભાવના. આ ભાવના એ સાદો પંજાબી સૂટ પહેર્યો હતો અને દોડી દોડી ને બધા ની સેવા કરતી હતી. બધા એની ચાકરી થી ખુશ થયાં. મોટા ભાગની સહેલીઓ એ એને કાંઈ ને કાંઈ ટીપ (સેવા ના ઇનામ રૂપે ટોકન ની રોકડ રકમ) આપી. જે એણે હસી ને સ્વીકારી.
છેલ્લે, ખાવાની આઇટમો એટલી વધી હતી કે ફેંકવી પડે તેમ હતી. પણ ભાવના એ આશાબેન ને વિંનતી કરી કે "બેન તમને વાંધો ના હોય તો આ જમવાનું હું લઇ જાઉં ?" અને એની ગણતરી પ્રમાણે આશાબેને હા માં માથું હલાવ્યું.
"થેન્ક યુ બેન." ભાવના મલકી ગઈ.
એ પુરી તૈયારી સાથે આવી હતી. એણે પોતાની સાથે લાવેલા વાસણો માં બધી વાનગીઓ ભરી લીધી અને વ્યવસ્થિત રીતે બાસ્કેટ માં ગોઠવી ને લઇ ગઈ. ત્યાં બધી સહેલીઓ હસી ને છૂટી પડી રહી હતી.
હવે ભાવના આશાબેન ની પરવાનગી લઇ ને નીકળી એમના બંગલે થી. એણે મન માં હિસાબ માંડયો "ટીપ માં ૭૦૦ થી ૮૦૦ રૂપિયા તો જરૂર મળ્યા હશે." પાંચ વાગવા આવ્યા હશે. એ દોડી ને નજીક ની હોસ્પિટાલ માં પહોંચી.
ત્યાં એ પહેલા સુવાવડ વિભાગ માં ગઈ. ઘી થી લથબથ મીઠાઈઓ (જે મોટા ભાગ ના મહેમાનો એ જોઈ ને વખાણી હતી પણ ખાધી નહોતી.) એ બધી માતાઓ ને વહેંચી દીધી. પછી દોડી ને ગઈ એક એક વિભાગ માં અને બધા ફરસાણો વહેંચી દીધા.
બધા એનો આભાર માનતા અને પૂછતાં "તમારો બર્થડે છે આજે ?" પણ એ હસી ને કહેતી "કીટી પાર્ટી છે મારા તરફ થી આજે."
પછી એ બહાર નીકળી ને ટાઈમ જોવા લાગી પોતાના મોબાઈલ ની નાની સ્ક્રિન પર "બાપ રે, ૭ વાગી ગયાં." એ બસ સ્ટોપ પાસે આવી ને ઉભી રહી ગઈ. " બસ ને આવતા કેટલી વાર થશે."
પણ એની ભાવના પ્રમાણે બસ પણ આવી ગઈ તરત જ. એ હવે ઉતરી એક ઘરડાઘર પાસે. બધાં ઘરડાઓ પ્રાર્થના કરી રહ્યાં હતાં. એણે જાણ હતી ૮ વાગે બધાં પ્રાર્થના કરી અને જમતાં હતાં. ત્યાં એણે બાકી રહેલી મીઠાઈ અને ડાયાબિટીઝ ના દર્દીઓ ને "શુગર ફ્રી" મીઠાઈ વહેંચી દીધી.
અહીં પણ બધા એનો આભાર માનતા અને પૂછતાં "તમારો બર્થડે છે આજે ?" પણ એ હસી ને કહેતી "કીટી પાર્ટી છે મારા તરફ થી આજે."
હવે એ શું બચ્યું છે એ જોવા ઉભી રહી પછી બસ સ્ટોપ પર આવી ને. હવે એ બસ માં થી ઉતરી ને ગઈ એક અનાથશ્રમ માં બધાં બાળકો ને આઈસક્રીમ અને સ્ટાર્ટર્સ નો નાસ્તો વહેંચવા માં આવ્યો. બાળકો ના ચહેરા મલકી ગયાં.
બધા બાળકો એનો આભાર માનતા અને પૂછતાં "દીદી, તમારો બર્થડે છે આજે ?" પણ એ હસી ને કહેતી "કીટી પાર્ટી છે મારા તરફ થી આજે."
હવે બધું ખતમ થવા આવ્યું હતું. હવે એ એક મંદિર પાસે આવી અને જે કાંઈ બચ્યું હતું એ મંદિર બહાર બેસેલા ભક્ષુકો ને આપી દીધું.
ફરી પોતાનાં નાના મોબાઈલ ની સ્ક્રિન પર ટાઈમ જોયો "ઓ માડી, ૧૦ વાગવા આવ્યાં. આજે ભાવેશ ખીજાશે. કાંઈ નઈ, મનાવી લઈશ." એ હવે દોડવા લાગી એ સ્ટેશનરી ની દુકાન પર આવી. "ભાઈ મને જલ્દી થી ૫૦ લોન્ગ બુક આપો."
"૫૦ નહીં મળે ૪૮ લો અથવા ૫૪ લો."
"ઠીક છે ૫૪ આપો, પણ પૈસા કેટલા થશે ?"
"૫૪ નાં ૧૦૮૦/- થાય પણ હું ડિસ્કાઉન્ટ સાથે એક હજાર માં આપીશ."
એણે ટીપ નાં પૈસા ગણ્યા. ૯૫૦ હતાં. "ભાઈ મારી પાસે ૯૫૦ જ છે તમે વધારાં ની ૪ બુક રાખી ને ૫૦ જ નાં આપી શકો ?"
દુકાનદારે એને પૈસા ગણતાં જોઈ લીધી હતી.
"ઠીક છે, ૪ બુક ઓછી કરી ને ૯૦૦/- થશે." એણે નવો હિસાબ આપ્યો.
ભાવના ખુશ થઇ ગઈ.
એ ૫૦ લોન્ગ બુક લઇ ને દોડી એક રાત્રી શાળા માં. ત્યાં એને ખબર હતી એ પ્રમાણે એણે ૫૦ વિદ્યાર્થીઓ ને ૫૦ બુક ભેટ આપી. એના પુણ્યે આજે બધાં બાળકો હાજર હતાં .
ફરી બધા વિદ્યાર્થી બાળકો એનો આભાર માનતા અને પૂછતાં "દીદી, તમારો બર્થડે છે આજે ?" પણ એ હસી ને કહેતી "કીટી પાર્ટી છે મારા તરફ થી આજે."
ત્યાં એણે જોયું તો એના મોબાઈલ પર ભાવેશ નાં ૧૦ મિસ્ડ કોલ આવી ગયાં હતાં એ દોડી ઘર તરફ.
પણ ઘરે પહોંચતા પહેલા, એણે બચેલા ૫૦ રૂપિયા માં બે ઢોસા બંધાવ્યા અને ગઈ પોતાનાં ઘરે.
ભાવેશ ઊંચો નીચો થતો હતો. એ કાંઈ બોલે એ પહેલાં એણે ગરમાંગરમ ઢોસા નું પેકેટ એની તરફ ધરી દીધું. ઢોસા ની સુગંધ થી ભાવેશ શાંત થઇ ગયો. "કેટલી વાર ?"
"બસ હું હાથ મોઢું ધોઈ લઉં એટલી વાર." ભાવના બાથરૂમ માં જતી રહી.
"આજે શેઠાણી નાં ઘરે કીટી પાર્ટી હતી એટલે મોડું થઇ ગયું, સોરી."
"પણ, મને કેટલી ભૂખ લાગી હતી?"
"એટલે જ ઢોસા બંધાવી ને લાવી.ચાલો ઠંડા થઇ જાય એ પહેલાં જમી લઈએ ?"
"આજે ઘણાં દિવસે બહાર નાં ઢોસા ખાશું."
"કીટી પાર્ટી છે મારા તરફ થી આજે.".
*? સંવેદના