એકદા એ ઝાડ બિચારું રાતભર રોયું હશે.
જેણે પોતાનાં ડાળપંખી સ્વજનને ખોયું હશે.
આવી શિકારી જાળ બિછાવી ઊભો રહ્યો,
ને એ ભોળું બચ્ચું દેખી દાણા ભરમાયું હશે.
સપડાવી જાળે લૈ ગયો પારાધી નિષ્ઠુર જે,
આ દ્રશ્ય પણ ઈશ્વરે નજરોનજર જોયું હશે.
કરી આક્રંદને વિહંગ સઘળાં વલોપાત કરતાં,
શાને અબોલ શિકારી જાળ દેખી મોહ્યું હશે?
ધ્રુજી રહી છે ડાળો એની પલ્લવને ખેરવતી,
થૈ નારાજ ભારોભાર માનવને વગોવ્યું હશે..!
ના દઈશ ઈશ્વર અવતાર અમને માનવતણો,
આજ જીવન જીવવું લાગતું એને દોહલું હશે.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.