એક પાના પર કંઈક આ લખાણ હતું અમૃત મોટો થઈ ગયો છે,મારો ધંધો પણ સારો ચાલે છે હવે તે કોલેજમાં જશે કંઈ લાઈન લે છે એ પ્રમાણે એના માટે મારે રોકાણ કરવું જોઈએ પણ શાળામાંથી હારીજ ગયો ત્યારે તે કેમ થોડો થોડો બદલાયેલો લાગ્યો હતો.આજે મને જ કેમ હારીજ જવાનું મન થાય છે..
જઈ આવી હારીજ જે જાણ્યું એનાથી કોઈ આશ્ચર્ય ન થયું પણ એક બેન જેવી બેન ઘરે લઈ આવી મારા પતિની પહેલી પત્ની...હા અમૃતની સગી મા.મારૂ મન કહેતું હતું કે અમૃતને જણાવી દઉ પણ બેને ના કહી કે સાચી મા તમેજ છો સરૂબેન..!સાચુજ હતું મે જન્મ નહોતો આપ્યો પણ પગલે પગલે લાડ પ્યાર દાંટથી મોટો તો મે જ કર્યો હતો.છતા હક નથી જમાવતી તેથી જ બેને માસીમાની ઓળખ આપવાનું કહ્યું એ મંજૂર રાખ્યું ને આમ જોવા જાઓ તો મા કરતા માસી સવાઈ જ હોય છે.
(અમૃત તો વાચતાની સાથેજ ખુરશી પરથી ઉભો થઈ ગયો ...આંટાફેરા કરવા લાગ્યો અરે આતે બા કે દેવી મને તો મને પણ મને તરછોડી ચાલી ગયેલી સ્ત્રીને પણ સગીબેનની જેમ રાખી!)
પાના ઉથલાતા ગયા ને બાના સુખ દુખ એકાંત ને એ જીવનમાં ઉતારતો ગયો.બાના ધંધાની ઊંચાઈ તો તેના ભાવી સસરા કરતા પણ વિશાળ હતી.
અંતિમ પાના પર ક્ષમા યાચના હતી કે ક્યાંક ચૂક થઈ ગઈ હોય તો બેટા માફ કરજે. ક્યારેય નહોતુ કહેવું કે હું તારી સગી મા નથી પણ મારા મૃત્યુ પછી તુ તારી માસીમા ને અન્યાય ન કરી બેસે તેથી જ જણાવ્યું છે.મારી ઇચ્છા છે શાલુ ને રસ હોય તો તે મારો વિકસાવેલ ધંધો તેના આર્ટ દ્વારા ને ઋચી દ્વારા આગળ વધારે.શું તે તારી જીવનસંગીની બને તો મારા ધંધાની પણ પાર્ટનર બની શકે...?
(અમૃત બાની દીર્ઘ દ્રષ્ટિ જોઈ ખરેખર આશ્ચર્ય માં પડી ગયો, સમજુ બા કોઈની પર નિર્ભર ન રહેવા માંગી ને શાલુને પણ પગભર કરવા માંગતી હતી)
ડાયરી ને પગે લાગી સાચવીને તેણે લોકરમાં મૂકી ઉઠ્યોને આમથી તેમ આંટાં મારી અંતિમ નિર્ણય કરી તે ઘરે ગયો.બા ને માસીમા બેઠા હતા.ત્યા આવી બાના પગ પાસે બેસી તેણે માથું ખોળામાં મૂકી ને શાંતિથી આંખો ઢાળી દીધી.બા એ પૂછ્યું ,”થાકી ગયો દીકરા?”
અમૃતનો જવાબ હતો “*ના બા તમારો અમૃત તો જીવન નું અમૃત પીને અમરત્વ પામી ગયો.”માસીમાની ને બાની આંખમાં અમી છાંટણા વરસી પડ્યા.
જયશ્રી પટેલ
(સંપૂર્ણ)
૭/૧૧/૧૯