દુનિયાના એ સૌથી ઉંચા કદના પુતળાની આંખો ભીની હતી..........
કોઈ કહે વરસાદ પડેલો લાગે છે, કોઈએ કહ્યું ભેજ છે, કોઈએ તેને રાતે પડેલા ઝાકળનું નામ આપ્યું કોઈએ આંસું કહ્યાં તો કોઈને એમાં હરખનાં આંસુ દેખાયા......
અને એ ૩૧મીની રાત્રે......
સરોવરમાંથી એક હાથ ઉંચો થયો, તે વધતો વધતો પુતળાની ઉંચાઈ સુંધી પહોચ્યો, અને એણે પુતળાના માથે વહાલથી હાથ ફેરવ્યો.....પછી વહાલથી પુતળાની આંખો લુંછી......
પુતળામાં ચેતન આવ્યું....... અને તે બોલ્યું : "મા"..........!!!
એક ગેબી પણ વહાલ નીતરતો અવાજ : " હેપ્પી બર્થડે બેટા..... અરે બેટા એક સ્પર્શ માત્રથી ઓળખી ગયો, હા ... હું નર્મદા....મા રેવા.... તારી મા"
પુતળું : " કેમ ના ઓળખાય મા તારાં સીંચેલા ધાવણ પીને ઉછર્યો છું તારી ગોદમાં, તારા ખોળે રમ્યો છું, તારા વહાલમાં ફુલ્યો ફાલ્યો.....
અવાજ : "હા બેટા.... પણ મે તને આમ બાળકની જેમ ભીની આંખે ક્યારેય નથી જોયો, તુંતો મરદ, નિડર, સાવજ, સરદાર , કોઈ કલ્પી પણ ના શકે તેવું તારું કદ, ઉંચાઈ અને આજે મારા ખોળે આમ ...... શું તકલીફ છે બેટા......"
પુતળુ : " મા ....માણસ ગમે તે ઉંમરનો હોય, ગમે તેવો મર્દ હોય..... ગમે તેટલી કદ ઉંચાઈ હાંસલ કરી હોય પણ મન હળવું તો માના ખોળેજ થાય, એટલે જરીક આંખ ભીની....."
અવાજ : "હા બોલ બેટા, બોલી નાખ "
પુતળું : " મા આ કદ અને ઉંચાઈ એજ સમશ્યા છે મારી.... કેમકે મને આ ઉંચાઈ પરથી જે દેખાય છે તે રોજે રોજ મને જોવા મળવા ફુલહાર કરવા આવતા આજના આ વહેંતીયાઓને નથી દેખાતું.... મા જો પેલો મારા થી ઉંચો બેકારીનો ડુંગર, એની બાજુમાં ગરીબી ભુખમરાનો પહાડ, ....મા...મા... જો પેલો જ્ઞાતિ જાતિ ધર્મ વાદનો ટેકરો....પેલ્લી એક તકવાદની ટેકરી.... એની પાછડ છુપાએલી મૂડીવાદની ખાઈ...એની બાજુમાં કુપોષણનો ખાડો.....પેલો ભ્રષ્ટાચારનો ઉકરડો મા કોઈ દીવસ સાંભળ્યું છે કે મા રેવાના પટમાં કોઈ ખેડુત રડતો હોય.... અહીં મારી ઉંચાઈએથી જો અહીં નીચે કેટલા ખેડુત રડે છે મા...... મા... હું પણ ખેડુત પુત્ર .... નથી જોવાતું નથી સહેવાતું....મા એટલે આજે મન ભરાઈ ગયું......મા..
એ હાથ પુતળાના માથે વહાલથી ફરતો રહ્યો અને અવાજ આવ્યો : " તારી વેદના સમજુ છું દીકરા, જેટલું વિશાળ કદ એટલું વિશાળ દીલ, જેટલી ઉંચી ઉંચાઈ એટલીજ ઉંડી લાગણીં...... આ મને જો મારીય આંખો ભીની થાય છે, પણ હું આ પટમાં વહું એમાં ભેગે ભેગા આંશું વહી જાય, કોઈને ના દેખાય..... દીકરા છોડીદે એમને એમના હાલ પર, તેંતો તારું કર્તવ્ય નિભાવ્યું, આ બધાને એક કર્યા હવે આ એક માંથી અલગ અલગ રજવાડાં થવું કે એક રહી દુનિયા પર રાજ કરવું.
પુતળુ : " પણ મા... સ્વરાજ પૂર્ણ સ્વરાજનું મારું.... આપણું....સ્વપ્ન..."
અવાજ : " બેટા .હવે અહીં કોણ ભારતીય છે કે તું આવાં પૂર્ણસ્વરાજના સ્વપ્નાની વાત કરે છે.....
પુતળું : " પણ મા મારું મન માનતું નથી, એક વાત કહું....મા.... હવે તારી કુંખે મારા જેવો દીકરો ફરી વાર ના જન્મે ......"
તેણે પુતળાનું મો દબાવતાં કહ્યું : " બસ ચુપ થઈ જા બેટા...... હવે શક્ય નથી.... મે તને જણેલો અને ત્યારની પ્રજાએ તારામાં સરદાર સોધેલો..... હાલની પ્રજા સરદારમાં પટેલ સોધે છે....ઠાકોર સોધે છે, દલીત સોધે છે, એમને માણસમાં હવે સરદાર દેખાતો નથી, ધર્મ જાતિ જ્ઞાતિ દેખાય છે, અરે સરદારમાં પણ વોટ દેખાય છે, ક્યાંથી જણવો સરદાર હવે.'