અમારા ઘર તરફ ફરકી ગયું કોઈ ,
મને જોઇ તરત મલકી ગયું કોઈ .
બહારો સામટી ખીલી ગઈ જૂઓ ,
હ્રદય ભીતર જરા ધડકી ગયું કોઈ .
અગાસીમાં જતી જોઇ હતી એને ,
પછી તો ચાંદ થઇ ઝળકી ગયું કોઈ .
અરે ધબકાર ચૂકી ગઈ જુઓ ધડકન ,
જ્યાં આવી ઉંબરે અટકી ગયું કોઈ .
ઉતાવળ શું હતી પૂછો જરા "ચાતક" ?
કબર માં જોરથી પટકી ગયું કોઈ .
ગફુલ રબારી "ચાતક"