કાયા રુપાળી રમ્ય બહારોથી કમ નથી ,
ચાહક તમારા કાંય હજારોથી કમ નથી .
ભૂલી જજે ઓ રાત તું તારા ગુમાનને ,
કાજલ ભરેલા નેણ સિતારોથી કમ નથી .
ચુમ્યા લટે જ્યાં ગાલ ને હૈયું ઝુમી ઉઠ્યું ,
જોબન ભરેલું રુપ નજારોથી કમ નથી .
એને કહીદો યાર ? નજર કાબુમાં રાખે ,
કાતિલ નયનનાં તીર પ્રહારોથી કમ નથી .
આંખો ખૂલે છે , જેમ ગુલાબો ખીલી ઉઠે ,
સાચે જ "ચાતક" દ્રશ્ય સવારોથી કમ નથી .
ગફુલ રબારી કવિ "ચાતક" .