જગત ભાસે મને સુંદર , નિહાળી ભાત ફુલોની ,
પ્રભુ વરસાવતો ક્યાંથી સદા સોગાત ફુલોની ?
વસંતે રંગમાં આવી જુઓ લઇ છાબ ફુલોની .
રૂપાળી નાર પર આખી ઢોળી છે જાત ફુલોની .
હતો સંદેશ ફુલોનો હ્રદય કોમળ ધરી રે'વુઃ ,
છતાં સમજ્યા નહીં કાંટા લગીરે વાત ફુલોની .
હજારો તારલા ટાંકી અમુલખ ઓઢણી ઓઢી ,
નિરાંતે સૌ દિશાઓમાં પોઢી છે રાત ફુલોની .
રુપાળા ચાંદથી ઝળહળ કવિએ જોઇ છે એને ,
કસમથી ત્યારથી "ચાતક" બેઠી છે ઘાત ફુલોની .
ગફુલ રબારી "ચાતક" .