કાલે રાજકોટમાં રંગોળી સ્પર્ધા યોજાઇ ગઈ...ખૂબ સુંદર ડીઝાઇન અને કારીગરી જોવા મળી, ખરેખર આ દેશમાં ટેલેન્ટની કોઈ કમી નથી!
મેં એ રંગોળીમાં બનાવેલા ઘણા બધા ચિત્રો જોયાં, હા મોટાભાગના ચિત્રો જ હતા... પોસ્ટર કલરને બદલે માટીમાંથી બનાવેલ ચિત્રો! ક્યાંક અમિતાભ બચ્ચન, ક્યાંક પક્ષીઓ, ક્યાંક કોઈ યુવતી, ક્યાંક કોઈ સુંદર કુદરતી દ્રશ્ય...જોઇને લાગે જ નહીં કે આ રંગોળી છે!
આ બધું જોઈને મને થયું કે આપણે રંગોળી શા માટે બનાવીએ છીએ? હું જેટલું જાણું છું એ મુજબ જ્યારે ભગવાન તમારે ઘરે પધારે ત્યારે દરવાજે જ સુંદર રંગોળી જોઈને એમના મનમાં તમારી સારી છાપ પડે, થાય કે આ ઘરનાં સભ્યો આળસુ નથી અને એમની તમારા ઉપર કૃપા બની રહે... ટુંકમાં રંગોળી એટલે ભગવાનને પ્રસન્ન કરવાની એક રીત.
હવે મૂળ મુદ્દા ઉપર આવું...જો ખરેખર ભગવાન તમારા દ્વારે ઊભા રહી, તમારી બનાવેલી રંગોળી જોવાના હોય તો તમે શું બનાવશો? મને તો આ વિચાર જ એકસાઇટમેન્ટ આપી જાય છે...?
સુંદર ફૂલોની ભાતીગળ ડીઝાઇન, મોરલા, પોપટ, હંસ વગેરે પક્ષીઓની કલાત્મક ચિતરામણ, ભૌમિતિક આકારો, ક્યાંક માતા યશોદાનું વાત્સલ્ય તો ક્યાંક કાનુડાની મુખમુદ્રા, ક્યાંક રામાયણનો કોઈ સુંદર પ્રસંગ... આવું બધું હોય તો રંગોળી સુંદર ના લાગે...?
દિવાળી તહેવાર જ છે આપણી પરંપરા, આપણા વારસાને આગળ લઈ જવાનો...નવી પેઢીને બતાવવાનો કે આ તહેવારો કેમ અને શા માટે ઉજવાય છે ત્યારે ઘરના આંગણે શોભતી રંગોળી પણ જો એવી જ થીમ ઉપર બની હોય તો...?
મારા ઘરે પહેલાં મારા સ્ટાફની એક છોકરી આવીને મસ્ત રંગોળી બનાવી જતી, એને શોખ હતો અને વરસોની તાલીમ... મારી દીકરી અને દીકરો પણ એને જોઈને રંગ હાથમાં લેતા, એમને આવડે એવા પ્રયત્ન કરતા.. ત્યારે એ છોકરી એમને બાજુમાં કોઈક ખૂણે થોડી જગ્યા કરી આપતી અને કહેતી, “તમે લોકો અહીંયા રંગોળી કરો" જેથી એની સુંદર ડીઝાઇન ખરાબ ના થાય. મારા બાળકો પણ એમની મસ્તીમાં પ્રયત્ન કરતા અને બધું કામ પૂરું થઈ જાય એટલે મને પૂછતા, “જો મમ્મી અમારી રંગોળી સરસ છે કે પેલી દિદીની?"
સાચું કહું છું... મમ્મી છું એટલે નહિ, બાળકોની રંગોળી મને વધારે સુંદર લાગતી! ભલે રંગ સરખા સ્પ્રેડ ના થયા હોય પણ એમની શું દોરવું છે એ વિચારવાની ક્ષમતા અને એની પાછળની એમની મહેનત... રંગોળી સુંદર લાગે એ માટેના પ્રયત્નો દેખાઈ આવતા. હવે હું એ છોકરીને અમારા નવા ઘરે નથી બોલાવતી, જૂના ઘરે હજી એ આવશે એનું કામ કરી જશે...પણ અત્યારના નવા ઘરે મોટું આંગણું છે ત્યાંની બધી જગ્યા મારા બાળકોને સોંપી છે, એમને ગમતા કલર્સ અને રંગોળી પુરાવાના બધા સરંજામ ખરીદી લાવી છું...છો એમને આવડે એવું બનાવે રાખતાં...ઘરે આવનાર મહેમાનને એ ગમે ના ગમે પણ મારા દરવાજે પધારનાર ભગવાનને એ જરૂર ગમશે...આખરે એ ભગવાન છે અને એમની બુધ્ધિ કે લાગણી ઉપર હું શંકા કરું એટલી મૂરખ નથી...?
મારા વિચાર હું તમારી સાથે વહેંચી શકું, તમારી ઉપર થોપી ના શકું...તમને ગમે એવી રંગોળી બનાવજો, પણ બનાવજો જરૂર...???