લઘુ કથા :
ક્યાં ટલ્લે ચડી ગયો ?
આ... લો, વિરાજનગર આવી ગયું. હજુ તો સાડા સાત જ વાગ્યા છે, અહીં એસ.ટી.સ્ટેન્ડથી જ પ્રાત: વિધિ વિ. પતાવી, ફ્રેશ થઈ ને ચા નાસ્તો પણ કરી લઉં તે જ ઠીક રહેશે.
'અરે ભાઈ, એક ચા આપજો ને.' 'અને કહ્યું આ પ્રભાત ચોક કેટલોક દૂર છે અહીં થી ?' (બાપા આ વિસ્તારમાં રહીને ભણ્યા હતા તે સ્મરણ થતાં નામ જીભે આવી ગયું).
'એક દોઢ કિલોમીટર હશે, અડધો કલાક જેવું થાય ચાલીને જતાં.'
'અચ્છા, તે બજારનો કે રહેણાંક વિસ્તાર છે બજાર નજીક નો ?'
'મીક્સ એરિયા છે'
'તો પછી એટલાં માં ક્યાંક ભાડે મકાન પણ મળી જાય ને ?'
હા, અમારા સંબંધીનું જ છે, કહો તો ઠેકાણું, ફોન નંબર આપું. ... લો, નોંધી લ્યો.'
નોંધ કરી, ચા નાસ્તો પતાવી ને થયું ચાલને પ્રભાત ચોક વિસ્તારમાં લટાર મારી આવું, સર્વે થઈ જાય.
'અને ભાઈ, ત્યાંથી કલેકટર કચેરી કેટલી દૂર થાય ?'
' બહુ દૂર નથી, પણ તમારે ક્યાં નું કામ છે ?'
'અરે ભાઈ, મારે તો કલેકટર કચેરી એ ઈન્ટરવ્યુ માટે જવાનું છે.'
' તો પછી ત્યાં જ પહોંચી જાવ ભાઈ, જઈને નોંધણી કરાવી, લેખિત - મૌખિક પરીક્ષા ના સ્થાન જાણશો તેમાં પણ સમય લાગશે.'
'હા એલા ભાઈ, હું પણ ક્યાં ટલ્લે ચડી જાઉં છું.'
મનોજ જ. શુક્લ (૨-૨-૨૦૧૯)
-----