#દાનત_દૌલત
આસપાસ અમુક વસ્તુ જોઈએ , ક્યારેક અનુભવ પણ કરીએ ત્યારે એમ થાય કે લોકો આવું કેમ કરતાં હશે? દાનત શબ્દ સાંભળ્યો જ હશે પણ સારી દાનત અને ખરાબ દાનત વચ્ચે પણ એક નાનકડી રેખાનો જ તો ભેદ છે. આપણે ઘણી વખત સાંભળ્યું જ હશે કે એની દાનત તો ખોરા ટોપરા જેવી છે એટલે કે તે વ્યક્તિ ને કોઈ હેરાન થાય તેમાં વધુ રસ હોય છે. કોઈ નું કરી નાખવું , જાણી જોઈ એવી રીતનું વર્તન કરવું જે સામે વાળી વ્યક્તિને મુશ્કેલી માં મૂકે પણ તે વ્યક્તિ એટલું નથી જાણતી કે આપણા પણ આવક જાવકના ચોપડા રાખવામાં આવે છે જે દેખાતાં નથી પણ અદૃશ્ય થઈ રહેલ હિસાબમાં ક્યારેય ભૂલ આવતી નથી.
તમે કોઈ ને હેરાન કરી મજા લઈ શકશો અને તે વ્યક્તિને થોડા સમય માટે તકલીફ આપશો પણ કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. કર્મનું ફળ મળ્યા વગર રહેતું જ નથી. તમને ખબર પણ ન પડે કે આ ક્યા કર્મના ફળ રૂપે તકલીફ આવી છે. એની જે લાકડી છે તેમાં અવાજ નથી પણ દુઃખાવો તો થશે જ.. માટે કોઈ સાથે કોઈ પણ જાતનું વર્તન કરો તો એક વખત વિચારજો કે આવું વર્તન કોઈ તમારી સાથે કરે તો? આ સવાલ નો જવાબ બહુ જ ઈમાનદારી થી મેળવજો પછી આગળ કાર્ય કરજો.
સારા કાર્યો તમને સારું પરિણામ આપે જ એ જેટલું સત્ય છે એટલું જ સત્ય એ પણ છે કે તમે કરેલ કોઈ પણ નાનામાં નાનું દુષ્કર્મ તમને સજા અપાવશે જ. માટે જ ક્યારેય કોઈ માટે ખરાબ વૃત્તિ પણ રાખવી જોઈએ નહિ. હમેંશા એમ જ વિચારવાનું કે કર્મ કોઈને છોડતો નથી તો હું પણ સત્કર્મ ને છોડીશ નહી. જરૂર નથી કે સત્કર્મ એટલે દાન દેવું કે એવું કંઈ. કોઈ માટે ખરાબ વિચારવું પણ નહિ તે પણ સત્કર્મના લીસ્ટમાં આવી જાય છે. તમારી દાનતને ખોરા ટોપરા નહીં પણ એવા નાળિયેર સમુ બનાવો કે જેનો ઉપયોગ પ્રભુની પ્રસાદીમાં કરવામાં આવે. (#MMO )
ભલે ને હેરાન થાય એવો વિચાર આવે ત્યારે એટલું વિચારજો કે તમે પણ હેરાન થશો જ અને પછી ભગવાનને દોષ નહીં દઈ શકો. માટે જ હમેંશા ભગવાનને પ્રાર્થના કરવી કે પ્રભુ કદાચ મને શાંતિ ન મળે પણ કોઈ ની અશાંતિમાં મારો કોઈ હાથ ન હોવો જોઈએ. આ સાથે જે આ ખોરા ટોપરા વાળા લોકોનો ભોગ બને છે તેમને કહેવું છે કે તમે આ ટોપરાનો ઉપયોગ ક્યારેય ટોપરા પાક બનાવવામાં નહીં જ કરી શકો માટે એમને પોસવા નું કામ પણ ન કરો. તમારી વાત રાખવી એ તમારી ફરજ નહી સમાજને સુધારવા માટે તમારી જવાબદારી પણ છે. આપણે શું? ની નીતિ દરેક વખતે કામ આવતી નથી.