આજે વિશ્વ અલ્ઝાઇમર દિવસ છે, એક એવી બીમારી જેમાં માણસ ધીરે ધીરે પોતાની યાદશકિત ગુમાવતો જાય...
ભૂલી જવું એ તો આમ વાત છે, એને બીમારી કેવી રીતે કહી શકાય? તમારી વાત બરોબર છે પણ કેટલું અને કેટલી હદે ભૂલી જવું સામાન્ય ગણાય? તમને તમારું નામ, એડ્રેસ, તમારા ઘરના સભ્યો પણ યાદ ના રહે તો... આવું થઈ શકે છે, થઈ રહ્યું છે!
અતિ વ્યસ્ત જીવન જીવતો માનવી હોંશિયાર તો થતો જાય છે પણ મનથી કમજોર રહી જાય છે. એની સંવેદનાઓ એની પ્રગતિ પાછળની દોડ તળે દબાઈ ને રહી જાય છે... અને પછી ધીરે ધીરે એનું મગજ બધું ભૂલવાનું ચાલું કરી દે છે... એક હદથી વધારે ભૂલવા લાગે એટલે ડૉકટર પાસે જવું પડે, બીમારી સમજાય ત્યારે એનો ઇલાજ થાય. કેટલાય એવા છે જે આ બીમારીને સમજી જ નથી શકતા. વૃધ્ધાવસ્થામાં ભૂલી જવું સામાન્ય ગણાય છે... ગંભીર રીતે ગવાયેલી વ્યક્તિ પણ એ ક્ષણે એની સાથે શું બનેલું એ ભૂલી જતી હોય છે... ક્યારેક કોઈ વાતની વધુ પડતી ચિંતા કે સ્ટ્રેસ પણ માણસને ભૂલકણો બનાવી દે... જે ભૂલવું હોય એ યાદ રહે અને જે યાદ રાખવું હોય એ ભૂલી જવાય... ?
વાતો કરવાની ઊણપ અહીંયા મને સૌથી વધારે જવાબદાર લાગે છે, એક વખત હતો જ્યારે ઘરમાં દાદા, દાદી, કાકા, કાકી, ફોઈ, કુટુંબના બાળકો, પાડોશીઓ વગેરેનો મેળાવડો જામેલો રહેતો. માણસને વાત કરવાનું, કારણ વગરની ચર્ચા કરવાનું બહાનું મળી જતું. એમાં જ એનો દિવસભરનો થાક અને સ્ટ્રેસ છૂમંતર થઈ જતાં. આજે ઘરમાં ત્રણ કે ચાર જ સભ્યો હોય એય પાછા એમના મોબાઈલમાં કે ટીવીમાં વ્યસ્ત, એકબીજા સાથે ખપ પૂરતી વાત... બાજુમાંથી કોઈ બેસવા આવે તોય ના ગમે સિરિયલ જોવાનો સમય થઈ ગયો હોય... આ બધાને અંતે તમને મજા ભલે આવે પણ તમારી અંદર રહેલું પેલું માણસ નામનું પ્રાણી જેને ભગવાને વાચા આપી છે, બોલવાની કળા શીખવી છે એને પોતાની વાત કહેવાની બાકી રહી જાય છે... અને વરસો વીત્યા બાદ સમજાય છે જે ખરેખર કહેવાનું હતું એ તો બાકી જ રહી ગયું અને છેવટે ભુલાઈ ગયું!
ટુંકમાં પ્રેમ અને વિશ્વાસથી વધારે મહત્વનું આ દુનિયામાં કંઈ જ નથી... તમારાં પોતાનાં લોકો સાથે વાતો કરો...મન ભરીને, કોઈ બીમારી તમારું કંઈ જ નહિ બગાડી શકે,?
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?