શબ્દોને શણગાર્યા પછી ગમે.
અર્થોને વિસ્તાર્યા પછી ગમે.
શબ્દ અર્થની ઘટમાળ મધ્યે,
રચનામાં ભાવ ભર્યા પછી ગમે.
શબ્દ એ બ્રહ્મ છે નૈ નાનોસૂનો,
કોઈ સુપાત્રને ધર્યા પછી ગમે.
ના વેડફો શબ્દોને કદીએ તમે,
સંગીતે એ ઉચ્ચાર્યા પછી ગમે.
શબ્દ બની શારદા વસનારો છે,
અંતરમાં એને ઊતાર્યા પછી ગમે.
શબ્દે રામાયણને મહાભારત,
પરાવાણીમાં ઢાળ્યા પછી ગમે.
શબ્દે 'વાલિયો' ' વાલ્મીકી થઈ જતો,
શબ્દની તાકાત વિચાર્યા પછી ગમે.
શબ્દે ' રામબોલા' ' તુલસી' થનારો,
અસ્તિત્વ એનું સ્વીકાર્યા પછી ગમે.
નીકળી જીહ્વાથી ઉર સુધી જનારો,
અતીતના વેણ સંભાર્યા પછી ગમે..
શબ્દે સત્વ, રજસને તમસ વસે,
સત્વ મુખે આવકાર્યા પછી ગમે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.