હમણાં થોડા દિવસ પહેલાં કોઈ કે મારા ઘરની જાળી ખખડાવી, મેં દરવાજો ખોલીને જોયું તો એક બહેન ઊભેલા.
હું રોડ ઉપરથી રોજ એમને જતા આવતા જોતી એટલી એમની ઓળખાણ, મને કહે,
“તમારાં ઘરની બહાર પથરા પડ્યા છે એમાંથી એક લઈ જાઉં? મારા ઘરે કામ ચાલે છે અને એક પથ્થર ખૂટે છે!"
મને ખબર હતી કે બહારનું ફ્લોરિંગ કરવા જે પથ્થર વપરાયેલા એમાંના પાંચ મેં કુંડુ મૂકવાના કામે આવશે એમ વિચારી સાઈડમાં મૂકી રાખેલાં... મને થયું ઠીક છે, ભલે એક લઈ જતા. મેં એમને હા કહી. મારે બહાર જવાનું હતું અને મોડું થતું હોવાથી હું બહાર જોવા ન ગઈ, થોડીક જ સેકન્ડ બાદ એ બહેને ફરી જાળી ખખડાવી,
“એ પથ્થરો વચ્ચે મોટી ગરોળી છે, સાવરણી આપોને તો એને ભગાડું.."
હવે મને કંટાળો આવી ગયો, એક તો મોડું થતું હતું અને આ વધારાની ઉપાધી, પાછું ઘરની બહારનાં જીવ જંતુ કોઈ મારે એની મને સખત ચીઢ, એમનું ઘર છે એ છોડવા વચ્ચે...
મેં કહ્યું, “આ બાજુમાં એવો જ બીજો પથ્થર પડ્યો છે એ લઈ જાવ."
એ બહેન તરત કહે, “એવો નહીં પેલો કાળો પથ્થર જોઈએ છે!"
હવે મારું ધ્યાન ગયું કે એ બહેન બ્લેક ગ્રેનાઈટના, સીડીના પગથીયા બનાવ્યા બાદ બચેલા પથ્થર માંગી રહ્યાં હતાં... મફતમાં માંગવાની પણ કોઈ હદ હોય કે નહિ! મારી ભલમનસાઈ ખલાસ થઈ ગઈ અને...મેં એમને સાફ સાફ કહી દીધું,
“એ તો કામના છે, એ નહીં મળે."
એ બહેન એવી કાતિલ નજરે મારી સામે જોતા જોતા ગયા... જાણે મેં એમનું કંઇક ઝુંટવી લીધું હોય...બોલો!
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?