.....#...ઋગવેદ....#....(ભાગ -૧ )
ઋગ્વેદ, એ વિશ્વનો સૌથી પ્રાચીનતમ ધાર્મિક ગ્રંથ છે,આથી તેને ‘માનવજાતિના પ્રથમ વિધાન’ તરીકે ઓળખાય છે. તેનો રચનાકાળ પૂર્વ વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે ૧૫૦૦ થી ૧૦૦૦) મનાય છે. આ ગ્રંથ ભારતીય પ્રાચીન વૈદિક ઋષિકુળો દ્વારા રચાયેલ સંસ્કૃત ઋચાઓનું સંકલન છે, જે બલિના સમયે અથવા અન્ય પારંપરિક પ્રથાઓ સમયે ભાવપૂર્વક ગાવામાં આવતી હતી. ઋગ્વેદમાં ૧૦૧૭ (વાલખિલ્ય પાઠના ૧૧ સૂક્તોં સહિત કુલ ૧૦૨૮) સૂક્ત છે જે ૧૦ મંડળોમાં વિભાજીત છે. એક મત પ્રમાણે પ્રથમ અને દસમું મંડળ બાદમાં જોડવામાં આવેલું છે, કારણ કે તેની ભાષા અન્ય આઠ સૂક્તોથી અલગ છે. દસમા મંડળમાં પ્રસિદ્ધ પુરુષસૂક્તનો સમાવેશ થાય છે, જેના અનુસાર ચાર વર્ણ (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા ક્ષુદ્ર) આદિ પુરુષ બ્રહ્માના ક્રમશ મુખ, ભુજાઓ, જંઘાઓ તથા ચરણોમાંથી ઉત્પન થયેલ છે.
ઋગ્વેદમાં આપેલ કુલ સ્ત્રોત ની સંખ્યા ૧૦,૫૫૨ છે.
# ઋગવેદ પરિચય :-
'ઋગ્વેદ' શબ્દમાં બે પદો રહેલાં છે, ઋક્ અને વેદ.
ઋક્ નો અર્થ આવો થાય છે-
"ऋच्यते स्तूयते अनया देवा: सा ऋक्"
"જે મંત્રો દ્વારા દેવતાઓની સ્તુતિ કરવામાં આવે છે તેને ઋક્ કહેવામાં આવે છે."
'વેદ' શબ્દનો અર્થ આપણે આના પહેંલાની પોસ્ટમાં જાણી લીધો છે.
આ બંને પદોની પાણિનિ વ્યાકરણના વ્યંજનસંધિ નિયમનાં સૂત્ર "झलां जशोऽन्ते" મુજબ 'ઋક્' માં રહેલ 'ક્' નો સંધિ થતા 'ગ્' બન્યો અને 'ઋગ્વેદ' શબ્દ બન્યો, જેનો અર્થ થાય છે જેમાં દેવતાઓની સ્તુતિઓ દ્વારા જે પરમજ્ઞાન અપાયું છે તે ઋગ્વેદ.
# ઋષિઓ દ્વારા ગ્રથન અને ઋગ્વેદની શાખાઓ :
વેદો અપૌરુષેય ગ્રંથ છે. પૌરાણિક ઋષિઓને વેદમંત્રોના દર્શન થયા હતા,અને ત્યારબાદ એ મંત્રોને ઋષિઓએ એમના શિષ્યોને-પુત્રોને ભણાવ્યા.અને કોઈ સમયે આ અમૂલ્ય જ્ઞાન નાશ ન થાય,એ માટે તે સમયની પ્રણાલી અને લેખનસામગ્રી મુજબ આ મંત્રોને 'ગ્રંથ' નું સ્વરૂપ આપવામાં આવ્યું.
મંત્રદૃષ્ટા માત્ર ઋષિઓ જ ન હતાં, ઋષિકાઓ પણ હતી.
જે જે ઋષિઓએ પોતાના આશ્રમમાં પોતાની અલગ શૈલીમાં પોતાના પુત્રોને અને શિષ્યોને વેદો ભણાવ્યા એમના નામ પરથી વેદોની શાખાઓ બની હતી.
પાણીનીમુનિનાં વ્યાકરણ પર ભાષ્ય લખનાર પતંજલિ મુનિએ ભાષ્યગ્રંથ "વ્યાકરણ મહાભાષ્ય" માં ઋગ્વેદની 21 શાખાઓ હતી એવો ઉલ્લેખ કર્યો છે.
આ 21 શાખાઓમાંથી ઘટીને પાંચ શાખાઓ રહી હતી-
1. શાકલ શાખા.
2. વાષ્કલ/બાષ્કલ શાખા.
3. આશ્વલાયન શાખા.
4. શંખાયન શાખા.
5. માંડુકાયન શાખા.
આ પાંચ શાખાઓમાંથી પણ અત્યારે એક માત્ર શાકલ શાખા જ ઉપલબ્ધ છે. એટલે કે આપણે જેને ઋગ્વેદ તરીકે ઓળખીએ છીએ એ આ શાકલશાખા છે.
(અનુમાન કરો જો એક શાકલશાખામાં 10552 મંત્રો હોય તો આ પાંચ શાખા કે 21 શાખા મળીને મંત્રોની સંખ્યા ક્યાં સુધી પહોંચે!!)
ઋગ્વેદનું વિભાજન-વર્ગીકરણ :
અત્યારે જે શાકલશાખાને આપણે ઋગ્વેદ તરીકે ઓળખીએ છીએ તે ઋગ્વેદનું વિભાજન બે રીતે કરવામાં આવ્યું છે,અષ્ટક ક્રમ અને મંડલ ક્રમ.
# અષ્ટક ક્રમ આધારિત ઋગ્વેદ વિભાજન :
અષ્ટક એટલે આઠ. આ અષ્ટક ક્રમ પ્રમાણે ઋગ્વેદનું વિભાજન આઠ અષ્ટકોમાં વિભાજીત છે. આ આઠ અષ્ટકો માં પણ દરેકની અંદર ચોક્કસ વિભાજન છે જે અષ્ટક-અધ્યાય-વર્ગ-ઋચાઓ એ ક્રમે કરવામાં આવ્યું છે.
આઠ અષ્ટકમાં દરેક માં આઠ અધ્યાયો છે, એટલે કુલ 64 અધ્યાય. દરેક અષ્ટક માં ઋચાઓની ચોક્કસ સંખ્યાનાં સમૂહને 'વર્ગ' નામ આપવામાં આવ્યું છે. આ અષ્ટક ક્રમ ને સરળ રીતે આમ દર્શાવી શકાય-
અષ્ટક - 8
અધ્યાય - 64
વર્ગ - 2024
મંત્ર સંખ્યા- 10552
.......(ક્રમશઃ ).....