તેં ફૂલોની ફૂલદાની સાચવી છે,
મેં જીવનની બાગબાની સાચવી છે.
મેં દીવાને ફૂંક મારી દીધી જાતે,
એ રીતે ઇજ્જત હવાની સાચવી છે.
છોડી દીધી વૈદની સધળી દવાઓ,
આબરૂ થોડી દુવાની સાચવી છે.
સ્મિતની કિંમત જરા ઓછી ન આંકો,
મોત સામે જીંદગાની સાચવી છે.
કામ આવી જાય છે દુઃખના સમય પર,
એક બે પળ જે ,મજાની સાચવી છે.
બ્હારથી ખંડેર જેવો થૈ ગયો પણ,
મેં, હદયની રાજધાની સાચવી છે.
લોક સાગર જાત પર આવી ગયાં ને,
મેંય મારી ખાનદાની સાચવી છે.
રાકેશ સગર,સાગર