જાત સાથે તું પ્રથમ સંવાદ કર,
એ પછી તું અન્યની ફરિયાદ કર.
જીવવી જો હોય સારી જિંદગી,
વ્યર્થ ઇચ્છાઓ બધીયે બાદ કર.
મૌન રહીને મૌનને કેવળ સમજ,
વાતે વાતે દર વખત ના નાદ કર.
ભૂલ તો સૌ માનવીથી થાય છે,
સર્વ ચિંતા છોડી દે, ના વાદ કર.
સ્વર્ગ અથવા નર્કની જો વાત હોય,
કર્મ તારા સૌ પ્રથમ તું યાદ કર.
એ રીતે અભિમાન ચોક્કસ દૂર થાય,
ચોતરફ તું પ્રેમનો વરસાદ કર.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)