*ગઝલ:મુફલિસ દશામાં છું.*
********************************
*લગાગાગા લગાગાગા લગાગાગા*
--------------------------------------------------
*નથી હું શ્વાસમાં, ખાલી હવામાં છું,*
*હું તો તારા વગર મુફલિસ દશામાં છું.*
*ભર્યા છે ભીતરે દરિયા દરદના જો,*
*ચહેરેથી ભલે લાગે મજામાં છું.*
*તને લાગે કે હું ભટકી ગયો છું,પણ,*
*હકીકતમાં હું તો સાચી દિશામાં છું.*
*મળી છે કેદ સ્વપ્નોને કારણ શું?*
*હું તો બસ પ્રેમ કરવાના ગુનામાં છું.*
*ગગન,તારા, સૂરજ,સાગર બધા તારા,*
*ખબર તો છે,હવે ક્યાં હું કશામાં છું.*
*નકાર્યો જેમણે સમજી મને મુફલિસ,*
*ઉભો છું મંચ પર, ભરચક સભામાં છું.*
*ગઝલમાં હોય છે ઉલ્લેખ બસ તારો,*
*બધા કે છે હું તો તારા નશામાં છું.*
*ગુલાબી હોઠ, આંખો, ગાલ ને ખંજન,*
*ભૂલી શકશે મને! હું તો બધામાં છું.*
*વહેતુ "આશુ" ખંજનમાં ભળે અંતે,*
*હું આજીવન જો તો તારી વફામાં છું.*
*@આશુ*
*અશોક આઈ. લાલવાણી,સુરત.*