*પ્રેમમાં કંઈ જ અંતરાય નથી*
*હો ન હિંમત તો કંઈ ઉપાય નથી*
*આમ ફુરસદ નથી ઘડીભરની*
*આમ કંઈ ખાસ વ્યવસાય નથી*
*રસ્તે રઝળે નહીં તો ક્યાં જાએ!*
*આશરો જેનો ઘર સિવાય નથી*
*લ્યો, વલી થઈ જવાની તક આવી*
*ક્યાંયથી પણ કશી સહાય નથી*
*આપ ગભરાઈને જતા ન રહો*
*આ છે છેવટના શ્વાસ, હાય નથી*
*એના મોંઘા મિલન નિભાવું છું*
*મારી તકદીરમાં વિદાય નથી*
*એમ બેઠો છું તારી ભીંત તળે*
*જાણે દુનિયામાં અન્ય છાંય નથી*
*ન્યાયમાં મહેરબાની રાખે છે*
*મહેરબાનીમાં જેની ન્યાય નથી*
*~ મરીઝ સાહેબ*