નામ ભૂતકાળ નું આરતી ચંદુલાલ ત્રિવેદી
જન્મ પ્રમાણ પત્ર માં, રેશનકાર્ડ માં નોટો માં,
ચોપડા ઓ માં આ નામ એટલી વાર ઘૂંટાયું
કે ઘૂંટી ઘૂંટી ને મારા હાડ માં ઉતરી ગયું
કાગળ ઉપર લખાયેલ નામ ભૂંસતા
કે છેકતા પોતાની છાપ છોડી જાય છે
તો હું કેમ કરી મારા હાડ માં ઉતરી ગયેલ
નામ ને ભૂલી નવું નામ કોતરી શકુ,
પૂછવું છે મારે ગાંધારી ને કે ગાંધાર
નરેશ સાથે ગાંધારી થઈ ઓળખાઈ તારુ
નામ શું હતું ? શું આ તારી મહાનતા હતી
કે મજબૂરી ? નામ તો નદી , પહાડ ને સમુદ્ર
ને પણ હોય છે ! શું ? મારી મૃત્યુનોંધ માં પણ
હશે મારુ નામ...... કે નામ ની જગ્યા એ હશે
આમના પુત્રવધુ , આમના પત્નિ, આમના
માતા...... શું ? મારે મારી મૃત્યુનોંધ માં
પણ ગોતવું પડશે મારુ નામ , મારી ઓળખાણ......