બૂંગીયો ફૂંકી પછી બોલાવજો બારોટને,
ચોર આવી લઇ ગયાં દરિયે હતીએ ઓટને,
પોક મૂકીને રડે વેપાર, ધંધા ને ઘરાકો,
જાવ જઇને છાની રાખો ચોપડાની ખોટને.
એમના ભણતર વિશે શંકા હવે તો થાય છે,
કામની વાતો બધી પૂછી રહ્યાં છે ભોટને.
સંભળાવી દીધુ છે દરિયાને મોંઢામોઢ કે,
માપ રાખો કાં પછી હું ઉંચી ઉડાવું બોટને.
બાજરી થોડી હતી ને આંગણે મ્હેમાન છે,
આંખમાં ભીનાશ લઇ મા કરગરે છે લોટને,
હોય તું મેવો સુકો તો ભૂખને કર શાંત લ્યા,
ડૂંગળીએ ગાળ દઇ કીધુ પછી અખરોટને.
કૈકને પરણાવનારો આજ પણ વાંઢો હતો,
કોક પરણાવો અમારા લાડકા બાજોટને.
જિગર ઠકકર 'ગઝલનાથ'