મને એ જોઈ હસવું
હજાર વાર આવે છે
આ પ્રાઇવેટ વાળા કેવા
ઉઠા ભણાવે છે!!
પચરંગી યુનિફોર્મ ને
પીળા રંગની ગાડી!
ગામડે ગામડેથી છોકરા
વીણી લાવે છે.
ભાડું વસુલે મસમોટુને વળી એને
ટ્રાન્સપોર્ટ ફેસિલિટી ગણાવેછે
કોમ્પ્લેક્ષમાં સ્કૂલો ચલાવી
સર્વાંગી વિકાસ બતાવે છે
આ પ્રાઇવેટ વાળા કેવા
ઉઠા ભણાવે છે!!!
બે જોડી યુનિફોર્મ, બુટ મોજા ટાઈથી
ટેણીયાં ને ટનાટન બનાવે છે
ગણિતમાં "સો" એતો સમજ્યા ભાઈ
ને વળી ગુજરાતીમાંય સો!!
આઈન્સ્ટાઈન ને અખો એક
સાથે બનાવે છે
કે.જી નું બાળક, ચિત્રમાં
અઠ્ઠાણું ને સંગીતમાં સત્તાણું!!
પિકાસોને રોવડાવી
મારા રહેમાનને શરમાવે છે
આ પ્રાઇવેટ વાળા
કેવા ઉઠા ભણાવે છે!!!
ઇંગલિશ મીડિયમનું ગૌરવ
ને ગુજરાતીની સુગ!
ગુજરાતમા જ રહીને
મેઘાણી,કલાપી કે પછી
તુષાર શુક્લની સામે જ
રોલેટ એકટ" ચલાવે છે
આ પ્રાઇવેટ વાળા
કેવા ઉઠા ભણાવે છે !!!
નોન ક્વોલિફાઇડ સ્ટાફ ને
વળી ગુણવત્તા વાળું શિક્ષણ?
નેવુંનો કલાસ ને નેવુંયે બાળકોને
નેવું ઉપર ટકા આવે છે!!
આ પ્રાઇવેટ વાળા
કેવા ઉઠા ભણાવે છે!!!!
આ પ્રાઇવેટ વાળા
હાટડી ચલાવે છે!!
પૈસા કમાવા માટે,
કેવા ઉઠીયાણ બનાવે છે!!!!