બંધ સૌ થયા છે બજારો પણ
લો ઉઠાવો હવે પથારો પણ
ચારે બાજુ પરિચિતો જ હતા
ચોતરફથી થયા પ્રહારો પણ
હાથ મૂકો હ્રદય ઉપર આવી
દિલમાં ભડભડતી આગ ઠારો પણ
ક્યાંથી આવે છે; જાય છે પણ ક્યાં
પાનખર… ને પછી બહારો પણ
ચોપડી છે બધે સ્મશાનની રાખ
જિંદગીનો જુઓ ઠઠારો પણ
રોશનીથી ભરી ગયો સઘળું
આભથી તૂટતો સિતારો પણ
ચાલુ બસમાં ગઝલ લખી આદિલ
જો સુધારી શકો સુધારો પણ.
#આદિલ_મન્સુરી