પુસ્તક લ્યો ભાઈ પુસ્તક . . .
● બળપણમાં એક વાર્તા વારંવાર સાંભળેલી . . . રોટલાના એક ટુકડા માટેના બે બિલાડાના ઝગડામાં, ન્યાય કરનારો વાંદરો કળા કરીને બધો રોટલો ખાઈ જાય છે. થોડા વર્ષો પૂર્વે ગુ.સા.અ. અને ગુ.સા.પ. નામની બે સાહિત્યિક સંસ્થાઓના ઝગડામાં અમુક "વાંદરા"ઓ ફાવી ગયાં . . . થોડા "વાંદરા"ઓએ આ તણાવભરી સ્થિતિનો લાભ ઉઠાવીને પોતાના મકસદો પણ સાધી લીધા.
● પરંતુ આજે જે વાત મૂકવાની છે તેને આ ઝગડા માટે કોણ દષિત અને કોણ નિર્દોષ છે તે હેતુ નથી. હશે, જે થયું તે . . . પરંતુ તાજેતરમાં ફેસબૂક પરની એક સાહિત્ય અકાદમીની પોસ્ટ જોઈ . . . મેઘાણી સાહેબના લોકસાહિત્યનું સંપાદન . . . અને તે પણ રારાશ્રી જયંતભાઈ મેઘાણીનું સંપાદન. પણ મજા એ આવી કે મને અચાનક ખ્યાલ આવ્યો કે “ઓ તેરી . . . આ તો ઓનલાઈન ઓર્ડર પણ કરી શકાય છે !”. મને તો ખ્યાલ જ નહોતો કે ગુ.સા.અ. ઓનલાઈન પુસ્તકોના પરચેઝ માટેના ડિજીટલ પ્લેટફોર્મ પર આવી ગઈ છે . . . ક્યા બાત . . . ગુ.સા.અ.ના મહામાત્ર પદે નિમાયેલા શ્રી અજયસિંહ ચૌહાણને થોડી વાર મળવાનું થયેલું અને એમને મળીને મને સરકારી-સરકારી ફીલીંગ નહોતી આવેલી ! મજાની વાત એ પણ છે કે એમના માર્ગદર્શક શ્રી વિષ્ણુ પંડ્યા પણ એમને મહત્વના અને હકારાત્મક નિર્ણયો લેવામાં ટેકો કરી રહ્યાં છે.
● ગુજરાતી સાહિત્ય અકાદમીના લગભગ ૭૦% પ્રકાશનો એવાં છે કે કોઈ પણ વ્યક્તિ સાહિત્ય સાથે થોડો ઘણો અને સાહિત્યના જે પણ સ્વરુપ સાથે જોડાયેલો હોય તેના લગભગ શ્રેષ્ઠ પુસ્તકો ત્યાંથી કિફાયતી ભાવે મળી રહે છે. પણ સમસ્યા એ હતી કે વડોદરાના લીલા ચેવડો માત્ર વડોદરે જ મળે તેમ ગુ.સા.અ.ના પ્રકાશનો માત્ર ગાંધીનગરે જ મળે છે . . . અને “તેમની બીજી કોઈ શાખા ગુજરાતમાં નથી”. તો ગુ.સા.અ.ના ચેવડા માટે ગાંધીનગર જાવ તો જ તમારો મેળ પડે . . . પરંતુ ચિમળાઈ ગયેલા છોડને તાજુ પાણી મળે અને જેમ ખીલી ઉઠે તેમ, અજયસિંહના વિઝન અને વિષ્ણુભાઈના હકરાત્મક અભિગમના કારણે અકાદમીનું પુસ્તકોનું સેલ વાર્ષિક ૪ લાખમાંથી વધીને અધધધધ ૪૨,૦૦,૦૦૦/ પહોંચ્યુ છે. (નો ડાઉટ . . . ગુ.સા.અ.નો ઉદ્દેશ્ય અર્થોપાર્જન નથી જ, પરંતુ પ્રકાશનો કરીને વેચાયા વગર સડ્યા કરે અને સરકારના નાણાનો વ્યય કરવાનો પણ નહોતો જ !)
● ફેસબુક ઉપર જે લોકો ગાઈ-વગાડીને પુસ્તકો ખરીદવા-વંચવાની વાતો કરે છે તે સર્વેને જાણ ન હોય તો જણાવવાનું કે અકાદમીના તમામ પ્રકાશનો આજે ૫૦% ભાવે મળે છે. વધુમાં જે પુસ્તકો ખરીદવા ગંધીનગર આવવાનું થાય તો લગભગ ૧,૦૦૦/- રૂપિયાનો ખર્ચ થાય તે જ પુસ્તકો . . . માત્ર સે-બસોના કુરીયર ચાર્જીસથી ઘરે બેઠા મેળવી શકાય છે અને તે પણ ૫૦% કન્શેસન સાથે . . .
https://www.academybooks.in/
- ધ.ત્રિ.