Gujarati Quote in Story by Narendra Joshi

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મૃગતૃષ્ણા...!

વાલીમા. ગામ આખાના વાલી. આખાય ગામમાં કોઈપણના ઘરે સુખ હોય કે દુઃખ.. વાલીમા બધ્ધાથી પહેલા હાજર. ગામમાં કોઈના ઘરે જો આંસુઓ એનો અડ્ડો જમાવે તો વાલીડોસી આંસુડાઓને લાકડી લઈને ભગાવે.

વાલીદાદીનું વૈધુ તો આજુ-બાજુના પંથકમાં પંકાયેલું.

તમામ દરદની દવા એટલે વાલીમા. આખાય ગામમાં જો કોઈના ઘરે દરદ સાંકળ ખખડાવે તો પેલો ઘરમાં બેઠો બેઠો કહે “વાલીમાને સાદ કરું?” આટલું સાંભળી તાવ-તરિયો તો ઉભી પૂંછડીએ નાઠે, અને શરદી સળેખમ હુજુ પાદરે કંપે છે...! વાલીમાને કારણે ગામમાં કોઈ માંદુ નહોતું પડતું.

ગામના પાદરે રામજીમંદિર. વાલીમાં રોજ ત્યાં દર્શને જાય. સૂરજને વેલું મોડું થાય પણ વાલીમાને દર્શન કરવામાં મોડું ન થાય.

પાદરે એક લીમડાનું ઝાડ. વાલીમાં આ ઝાડ હેઠે રોજ મંદિરેથી દર્શન કર્યા પછી બેસે. લીમડા હેઠે બેઠાં પછી વાલીમાં મલકાયા કરે. ગીતડું ગાય. લીમડા હાર્યે વાતું કરે. એક સળેકડું લઈને કોઈ નામ લખે. એ નામ સામું જોઇને વાલીમા નવોઢાની માફક શરમાય. લીમડો અને વાલીમા બંનેને હૈયે નવલી કુંપળો ફૂટ્યા કરે. પછી વિરાગી વિજોગણ જેમ આંખોથી કોઈને તરસે.. ગામ આખું વાળીમાની આ લીન થવાની ક્ષણોમાં વિક્ષેપ ન પાડે. મૃગજળને કેવી રીતે પ્રેમ કરવો? અને એ પ્રેમમાંથી કેમ પ્યાસ બુઝાવવી? એ કોઈ વાલીમા પાસેથી શીખે. ગામ આખાને ખબર કે કાનજીડોસો વાલીમાને હાથતાળી આપીને ગયો પછી વાલીમા અહી રોજ બેસે છે.

એક વખત ગામ સુધરાઈ વાળા આવ્યા. ઈજનેરે કહ્યું: “આ ગામમાં રોડ બનશે. અને આ લીમડો કાપવો પડશે.”
કોઈએ વાલીમાને દોડીને કહ્યું.. એટલે બ્હાવરી ગોપીની જેમ વાલીમાં પાદરે આવ્યા. વંટોળ આવે ત્યારે કોઈ માતા એના પુત્રને સોડમાં છૂપાવે એ રીતે વાલીમાએ લીમડાને બે હાથે ઢાંકવા પ્રયાસ કર્યો.

શું કહ્યું સાહેબ..??!! આ.. આ લીમડાને કાપવો પડશે? શું બાજુમાંથી રોડ ન બને? લીમડા એ શું બગાડ્યું છે કોઈનું?
આ લીમડો એ મારું મંદિર છે. અમારું પ્રેમ મંદિર. હું આ નદીના સામે કાંઠેના ગામમાંથી આવતી. આ ગામમાં હીરાના બાપુ કાનજી રહેતા. અમે બેઉ હારે ભણવા શહેરમાં જતા. મરજાદી ગામમાં અમારો મરજાદી પ્રેમ પાંગરેલો. એનો શાક્ષી છે આ લીમડો. કાનજી મારી હાટુ બદામ લાવતો તો હું બોરાં વીણીને લાવતી. લેતી-દેતીના વેવવારમાં અમારા હૈડાની લેતી-દેતી ક્યારે થઇ? એની અમને ખબર જ ન રહી. પણ એની જાણ આ લીમડાને ખરી. કાનજીના ગયા પછી મારા જીવતરનો સાથી પ્રવાસી છે. લીમડાને કાપીને મને અટૂલી બનાવશો નહી. આ લીમડો મારો શ્વાસ છે. મારા શ્વાસને રૂંધશો નૈ... બાપલા... મારા શ્વાસને રૂંધશો નૈ...!

આજે... કાળા-ડીબાંગ રોડ વચ્ચે... અડીખમ હરિયાળાં લીમડા નીચે વાલીમા એક સળેકડું લઈને કોઈ નામ લખેને તરત બંનેને હૈડામાં કુંપળો ફૂટવા માંડે છે..!

લેખન નરેન્દ્ર જોષી.

Gujarati Story by Narendra Joshi : 111209137
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now