'પ્રેમ' -ડૉ નિમિત્ત ઓઝા
‘કોઈની સાથે પ્રેમ હતો’ એવું ગુજરાતી વ્યાકરણ જ ખોટુ છે. ‘પ્રેમ હતો’ એવું કહીને કાં તો આપણે પ્રેમને છેતરીએ છીએ ને કાં તો આપણી જાતને. પ્રેમ તો ‘ઓલ ઓર નન’ પ્રક્રિયા છે. નથી થતો તો કોઈ વ્યક્તિની સતત સાથે રહેવાથી પણ નથી થતો અને થાય છે ત્યારે કોઈ વ્યક્તિની સતત ગેરહાજરીમાં પણ અનુભવાય છે.
પ્રેમનું સૌથી મોટું સુખ એ છે કે નિશાળના ક્લાસરૂમની જેમ એમાં દરરોજ હાજરી પુરાવી નથી પડતી. ગમતી વ્યક્તિની ગેરહાજરી સ્વીકારીને એના સ્વરૂપ અને સ્વભાવને આપણી આસપાસ અનુભવી લેવાની ઘટના એટલે પ્રેમ. પ્રેમ ક્યારેય ફરિયાદ નથી કરતો. ભીડમાં હસતો ચહેરો રાખીને, એકાંતમાં એ ગમતી વ્યક્તિને યાદ કરે છે.
જિંદગીમાં આવનારી વ્યક્તિઓ બદલાઈ શકે, કોઈને કરેલો પ્રેમ ક્યારેય નહીં. પ્રેમ ક્યારેય ‘રીપ્લેસેબલ’ નથી હોતો. અડધો, જરાક, થોડો કે ટેમ્પરરી થાય, એ પ્રેમ નથી. એ આપણી પાસે રહેલી વધારાની ચાહતનો ટાઈમપાસ છે. પ્રેમ તો સમગ્રતાથી અને સંપૂર્ણતાથી જ થાય છે. એ વ્યક્તિને આજીવન નહીં મળી શકવાની શક્યતા હોવા છતાં પણ એના માટે જે લાગણી છે અને રહેશે, એ આત્મવિશ્વાસનું નામ પ્રેમ છે.
કોણ કહે છે કે લોકો જિંદગીમાં એક કામ પણ સરખી રીતે નથી કરી શક્તા ? એ લોકોને જઈને મળો જેઓ ગમતી વ્યક્તિથી છૂટા પડ્યા પછી પણ એને પ્રેમ કર્યાનો અફસોસ કરવા કરતા, એને પ્રેમ કર્યાની ઉજવણી કરતા હોય છે. સાથે રહેવું કે સાથે હોવું, એ પ્રેમની પૂર્વશરત ક્યારેય નથી હોતી. અલગ પડ્યા પછી પણ કોઈને ચુપચાપ ચાહતા રહેવાના પાગલપનનું નામ પ્રેમ છે. અને જે પાગલપન નથી, એ પ્રેમનો ડુપ્લીકેટ છે. પ્રેમના ભળતા નામ કે ભળતી અનુભૂતિથી છેતરાવું નહીં. જો એ ગાંડપણની હદ સુધી નથી પહોંચ્યો, તો કદાચ એ પ્રેમ નથી. કોઈની માટે કાંઈપણ કરી છૂટવાના ગાંડપણ અને કશું પણ નહીં કરીને ચુપચાપ બધું સહન કરવાની સમજણ વચ્ચે જે રહેલો છે, એ પ્રેમ છે. એ ક્યારેય ‘હતો’ નથી થવાનો, એ છે અને રહેશે જ.
-ડૉ. નિમિત્ત ઓઝા