.....(જ્ઞાનગોષ્ઠી ભાગ - ૨).....
આ પદોમાં મુલાધાર ચક્ર, નાભિ ચક્ર અને સહસ્ત્રાધાર ચક્રોની ગહન વાતો કરી છે. "કાળીનાગ"એ તો રુપક છે.
’કહે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ’
કહેવાય છે કે , સ્વાધિષ્ઠાન ચક્ર સુધી પહોંચ્યા પછી સાધકની અવસ્થા સંભ્રમમાં મુકાય છે, આ અવસ્થાની વાત નરસિંહ કરે છે.
પદના શરુઆતમાં નાગણોનો સ્વામિ કાળીનાગ છે. 'બેઉં બળીયા, બાથે વળગીયા’ અને પદના અંતે જ્યારે કૃષ્ણ કાળીનાગને નાથી લે છે. એ પછી નાગણોનો સ્વામિ છેલ્લા પદમાં બદલાઇને કૃષ્ણ થઇ જાય છે.
“બે કર જોડી વિનવે, સ્વામિ મુકો અમારા કંથને !”
આ સ્વામિ બદલાઇ જવાની નરસિંહની આ વાતને આજ સુધી આપણા સાહિત્યકારો કેમ સમજી નથી શક્યા ? કાળી નાગને નાગણો જ્યારે જગાડે છે ત્યારે સો સો નાગના ફણાનો ફુંફાડો સંભળાય છે, મેઘ જેવી ગર્જનાઓ સંભળાય છે આકાશમાં વીજળીઓના કડકડાટ, આ બધું સહાસ્ત્રાધાર ચક્ર ખુલી ગયા પછી યોગીઓ જે અનુભવનું વર્ણન કરે છે તે છે.
એમ તો નરસિંહે પણ એક જગ્યાએ કીધું છે કે,
“મોરલીના નાદમાં, શ્રવણના સ્વાદમાં, ઝાંઝરી, ઝાલરી ઝમક વાગે, તાલ મૃદંગને ભેરી શરણાઇમાં બ્રહ્મનાદે“
-વાહ નરસિંહ વાહ શું શબ્દોની જાહોજલાલી છે ?
“નીરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો, તેજ હું તેજ હું શબ્દ બોલે ”
અને
” જાગીને જોઉં તો જગત દિશે નહિં, ઉંઘમાં અટપટા ભોગ ભાસે” “હું કરે, તું કરું, હું વિના તું નહિં, હું રહીશ ત્યાં લગી તું રહેશે, હું જતે તું ગયો, અનિર્વાચી રહ્યો, હું વિના તું તને કોણ કહેશે”
નરસૈયાની અજાતવાદની આ ફિલોસોફી છે ને અદભુત ?
"પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઉપણ્યા, અણું અણું માહી રે રહ્યા વળગી, બિજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બિજ તું”
નરસૈયાનું પારદર્શિ દર્શન તો જુઓ ?
આ નરસૈયો કવિ નહિં આતો અવધુત અને પૂર્વ-જન્મનો કોઇ યોગી હશે.
” વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિષે ભેદ નોયે, ઘાટ ઘડ્યાં પછી નામ રુપ જુજવા, અંતે તો હેમનું હેમ હોયે.”
શંકરાચાર્યનો અદ્વૈત વાદ બહુ સરળતાથી નરસિંહ જ કહી શકે .
” જીવને શીવ તો, આપ ઇચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા“…
અધ્યાત્મમાં શું બાકી છોડ્યું છે આ અવધુતે ?
.......( ક્રમશઃ......)