#kavyotsav
કવિતા એટલે...
- જૈમીન ધામેચા
કવિતા એટલે
વણકહ્યાં વાક્યો,
જે વિખેરાય છે કાગળ પર !
કવિતા એટલે
લાજવાબ લાગણીઓ,
જે સંતાકૂકડી રમતી રહે છે શબ્દો પાછળ !
કવિતા એટલે
ધીમું સ્મિત,
જે ફરકતું રહે છે દરેક પંક્તિના છેડે !
કવિતા એટલે
અલ્લડ આંસુઓ,
જે સમેટાય છે અલ્પવિરામના ખોળે !
કવિતા એટલે
મૂંગી ચીસો,
જે ગૂંજે છે શબ્દો વચ્ચેના અવકાશમાં !
કવિતા એટલે
હાંફતાં શ્વાસો,
જે ધબકતાં રહે છે સર્જકની કલમમાં !