... એય સાંભળને...
ખોટું ન લાગે તો એક વાત કહું...
હું થોડાં દિવસ હવે તારામાં રહું ???
જો તું કામમાં હશે તો હું વાત જ નહીં માંડું,
ને તારા મૌનમાંયે કોઈ દી ના છાંટા ઉડાડું,
આ શમણાંનો કાયદો તો હાથમાં જ ન લઉં...
શું હું થોડાં દિવસ હવે તારામાં રહું ???
કોણ જાણે હિમ શી એકલતા છે જામી,
વૈદો કહે છે કે : "એ તો હૂંફની છે ખામી,"
એ કહે છે "તારામાં લાગણી છે બહું ..."
શું હું થોડાં દિવસ હવે તારામાં રહું ???
રોજ એક ઈચ્છા સામે મને મળે છે,
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે,
તારામાં જ તારાથી આગળ હું નહીં જાઉં...
શું હું થોડાં દિવસ હવે તારામાં રહું ???
રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે,
પહેલાં મારી હથેળી પછી પગ તારો પડશે,
ને એ વેદનાનો ભાર પણ હું એકલી જ સહું...
શું હું થોડાં દિવસ હવે તારામાં રહું ???
કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં જ ફાવતું નથી,
આમ, ટીપાંની ધાર બની ક્યાં સુધી વહું...
શું હું થોડાં દિવસ હવે તારામાં રહું ???