#MoralStories
માની લો તો હાર,લડો તો જીત
રાહુલ લેખક હતો.મોટે ભાગે એ લવ સ્ટોરી જ લખતો.તેના ઘણાબધા પુસ્તકો લાખોની સંખ્યામાં વંચાઈ ગયા હતા.એક દિવસ તેણે પોતાના વિષયથી હટીને ‘અંધશ્રધ્ધા’ જેવા સામાજિક વિષય પર એક પુસ્તક લખ્યું.એ પુસ્તકને પુરતો પ્રતિભાવ ના મળ્યો.જેને કારણે રાહુલની ચાહના ઘટતી ગઈ.ધીમે ધીમે રાહુલ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવતો ગયો.એક સમય એવો પણ આવી ગયો કે રાહુલે લખવાનું બંધ કરી દીધું અને હવે કોઈ સ્ટોરી ના લખવી તેવું નક્કી કરી લીધું.
દિવસો પસાર થતા રહ્યા.રોજની લખવાની આદતને કારણે રાહુલ બેચેની અનુભવતો રહ્યો.તેના મગજમાં ગડમથલ થઈ રહી.પોતાની અંદર સળગતી આગને આહ્વાન આપી ફરી તેણે કલમ ઉપાડી.ફરી એ જ વિષય હાથમાં લીધો.વાંચકો શું વિચારશે એ વિચાર્યા વિના તેણે પોતાનું સફર શરુ કરી દીધું.ગામોના ગામ ઘૂમ્યો અને નરી આંખે જોયેલી અંધશ્રધ્ધાની ઘટનાઓ પર સ્ટોરી બનાવી.એ સ્ટોરીમાં અંધશ્રદ્ધામાં માનનારા વ્યક્તિઓને એવો જડબેસલાક જવાબ હતો જેને વાંચીને સૌના મોં સિવાય ગયા.રાહુલે લખેલા પુસ્તકને કારણે પહેલા તેની ચાહના જેટલી હતી તેનાથી સવાઈ થઇ ગઈ.તેણે લખેલા આ પુસ્તકને એવોર્ડ પણ મળ્યો.
એવોર્ડ એનાયત થયો ત્યારે એન્કરે તેને એક પ્રશ્ન પૂછ્યો,“તમારી પાછળની સ્ટોરીને આટલી ચાહના નોહતી મળી પછી તમે એવું તો શું કર્યું કે બીજી જ સ્ટોરીને એવોર્ડ મળ્યો?”
“મેં એ સ્ટોરી લખી ત્યારે મને ઓવરકોન્ફીડન્સ હતો કે વાંચકો મારી સ્ટોરી વાંચશે જ અને લેખકોની હરીફાઈમાં હું આગળ નીકળી જઈશ પરંતુ જયારે હું ખોટો પડ્યો ત્યારે મેં પોતાને પડકાર આપ્યો.જેના પરિણામ સ્વરૂપ હવે હું લવ સ્ટોરી ઉપરાંત સામાજિક વિષયો પર લખવામાં મહારત થઈ ગયો.”
બોધ : હરીફાઈ પોતાની સાથે કરવાથી જ શ્રેષ્ઠ પરિણામ મળે છે.