#MoralStories
ડબલ એસ. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
મનસ્વી પટેલે ઘરમાં આવતાંવેંત ધડાધડ સેન્ડલ ઉતાર્યા, ખભેથી પર્સ ઉતારીને સોફામાં ઘા કર્યો, રસોડામાં જઈ ફ્રીઝ ખોલી, પાણીની બોટલ લઇ ધડામથી ફ્રીઝડોર બંધ કર્યું, અને સોફામાં બેસીને પાણી ગટગટાવ્યું.
આ બધું જોઈ રહેલા એના પપ્પાએ પૂછ્યું, ‘વળી પાછું શું થયું ?’ ‘એ સમજે છે શું એના મનમાં ?’ એટલું બોલતાં મનસ્વીનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઇ ગયો. ‘એ એટલે કોણ ?’ ‘એ એટલે એ, બબુચક !’ ‘બબુચકનું કંઈ નામ તો હશે ને ?’ ‘શૈલીન શાહ.’ ‘કોણ શૈલીન શાહ ?’ ‘લેખક મહાશય.’ ‘અચ્છા, એ લેખક મહાશયે શું કર્યું ?’
‘મેં એની વાર્તા વાંચી, અને લખ્યું, ‘ ભલે બધાએ તમારી વાર્તા વાંચીને બહુ વખાણીને સારા પ્રતિભાવની સાથે ફાઈવ સ્ટાર આપ્યા, પણ મને તે ખાસ ગમી નથી, તેથી હું બે સ્ટાર આપું છું, અને આ બે સ્ટાર પણ મને વધારે લાગે છે’ તો એ બબુચકે લખ્યું, ‘આ વાર્તા તમારે લખવાની હોય તો કેવી રીતે લખો જેથી એ વાર્તાને મનસ્વી પટેલના ફાઈવ સ્ટાર મળે ?’ ‘ક્યા બાત કહી, વાહ વાહ !’ ‘શું વાહવાહ ? પપ્પા, મને તો એ એસ. એસ. બિલકુલ ‘ડબલ એસ’ લાગ્યો.’
‘મને તો આ એસ. એસ. ‘સોફ્ટ એન્ડ સોફીસ્ટીકેટેડ ’ લાગ્યો.’ ‘પપ્પા ?’ ‘સોરી બેટા, પણ આ બબુચક લેખક યુવાન અને અપરિણીત હોય તો ‘પોતાનો’ કરવા જેવો એટલે કે પરણવા જેવું ખરું’ ‘પપ્પા, વોટ ડુ યુ સે ?’ ‘યસ, માય ડાર્લિંગ ડોટર, મને તો આ લેખક ખુબ સમજદાર વ્યક્તિ લાગી છે, એણે એસ. એસ. એટલે કે – ‘શોર્ટ એન્ડ સ્વીટ’ બહુ ઓછા શબ્દોમાં, ખુબ શાલીનતાથી તને સમજાવ્યું – ‘ વિવેચક થવું સહેલું છે, પણ લોકપ્રિય લેખક થવું અઘરું છે.’