#moralstories
તડીપાર
રાતભર એ ઊંઘી શક્યો નહી. એના હૈયામાં ઉમળકાભેર હર્ષ ઊભરાવા માંડ્યો હતો. "હાશ! કાલે હું ઘેર જઈશ!" ઊર્મિભર્યા આવા અસંખ્ય લખલખા એને અપાર ઉમંગે નવડાવી ગયા. આનંદ આંસું બનીને નીતરવા લાગ્યો.
ઘેર જવાના અખંડ અરમાનોમાં એ એના કૃત્યનેય વીસરી ગયો. દિવસ ખરીદીમાં વીતાવ્યો અને રાત ઉજાગરામાં!
ભરભાંખળું થયું હતું. સરસામાન લઈને એ સ્ટેશને આવ્યો. પોતીકું બની ગયેલું અજાણ્યું શહેર અને ઘર છોડતા ગળે ડૂમો ભરાઈ આવતો હતો. કિન્તું ઘેર જવાનો ઉમંગ વતન ભણી ખેંચી જતો જણાયો.
અવની પર ધીરે ધીરે સૂર્યના કિરણો ચોતરફ રેલાઈ રહ્યાં હતાં. એણે બાંકડા પર બેેઠક જમાવી. એની પડખે બેઠેલ એક જણ છાપું વાંચી રહ્યું હતું. એને છાપું વાંચવાની આદત તો નહોતી જ! પણ ક્યારેક એમાં ઊડતી નજર નાખી લેતો હતો. એવામાં સહસા એની નજર એક જાહેરખબર પર પડી. એનું હૈયું જાણે ધબકતું અટકી ગયું! આંખો વરસી પડી. ઝળઝળિયાભરી નજરે એણે જાહેરાત વાંચી: "પ્રજાજોગ જાહેર ખુલાસો- અમારા પુત્ર હતા એવા મરણિકલાલને આજથી તડીપાર જાહેર કરવામાં આવે છે. આજથી અમારે એની સાથે કોઈ જ નાતો નથી. સૌ સગાવહાલા, લાગતા-વળગતાઓએ અમારા નામે એની સાથે કોઈપણ જાતનો વ્યવહાર રાખવો નહીં!"
બરફ ઓગળે એમ એનો ઉમંગ ઓસરી પરવાર્યો. હર્ષ આંસુ બનીને ગાલને વાટે રેલવેના પાટે ચડ્યો. આજ સુધી માંડ માંડ બચાવીને રાખેલું જીગર વેરવિખેર બની ગયું!
જીંદગીની એક ખતરનાક ખતા કેવાં કેવાં રવાડે ચડીને અનેકના જીવન કેવાં વેરાન બનાવે છે એ સમજાતા સાતેય ભવ સૂઝી આવ્યા.
*
એક બાળકનો બાપ હતો ને એણે ગામની જ એક યુવતી સાથે રંગેચંગે અફેર કર્યું હતું. આવતા દિવસોમાં યુવતીને લઈને ફરાર થઈ ગયો! અને એની કારમી લોહિયાળ સજા યુવતીના પરિવારે મરણિકના કુંટુંબને આપી.