https://generalstudieshp.blogspot.com/
એકવખત જંગલમાં રહેતા વાઘ અને બિલાડી વચ્ચે વિવાદ થયો. વાઘ એવું માનતો હતો કે જંગલના ઝાડવાઓ તથા વેલાઓના પાંદડાઓનો રંગ લીલો છે અને બિલાડી એવું માનતી હતી કે પાંદડાનો રંગ પીળો છે.
બંને વચ્ચે આ બાબતે ખૂબ ચર્ચા થઈ. વાઘ પોતે સાચો છે એ સાબિત કરવા માટે એણે બિલાડી સમક્ષ ઘણા પુરાવાઓ રજુ કર્યા પણ બિલાડી વાઘની વાત સ્વીકારવા તૈયાર જ નહોતી એ તો પોતાની વાત પર અડગ હતી.
વાઘ જાણતો હતો કે અપવાદ રુપે થોડા પાન પીળા હોય પણ એના લીધે કંઈ બધા પાંદડાને પીળા ન કહી શકાય. પોતાની વાતને સાચી સાબિત કરવા વાઘે જંગલના રાજા સિંહ પાસે રજુઆત કરવાનું નક્કી કર્યું. બિલાડી પણ તે માટે તૈયાર હતી. સિંહે બંનેની વાત સાંભળી અને પછી પોતાનો નિર્ણય આપતા કહ્યું, "આવા વિવાદમાં પડવા બદલ હું વાઘને 6 મહિનાની જેલની સજા કરું છું."
સિંહનો નિર્ણય સાંભળીને વાઘને આંચકો લાગ્યો. હું સાચો છું તો પણ સિંહે મને કેમ સજા કરી એ વાત વાઘને સમજાતી નહોતી. સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું, "ભાઈ, પાંદડાનો રંગ લીલો જ હોય એ હું પણ જાણું છું. મેં તને સજા એટલા માટે નથી કરી કે તું ખોટો હતો પણ સજા એટલા માટે કરી છે કે તે વિવાદ બિલાડા જોડે કર્યો. ક્યાં તું વાઘ અને ક્યાં એ બિલાડો ! દેખાવમાં સરખા હોય એટલે કંઈ બધી રીતે સરખા ન ગણાય. બિલાડાઓ જોડે કોઈ ચર્ચા કરવાની જ ન હોય. એ એના રસ્તે અને આપણે આપણા રસ્તે."
મિત્રો, ચર્ચા કે વાદ-વિવાદ સમોવાડિયા કે બરોબરિયા સાથે હોય. વાઘ થઈને બિલાડા જેવા માણસો સાથે વિવાદમાં સમય ન બગાડવો. બિલાડાઓના બકબક સામે મૌન રહેવું એમાં જ મહાનતા છે.