આજે વિશ્વ રંગ મંચ દિવસ છે.. ત્યારે મને થાય આપણે બધા કલાકાર નથી!
કેટલી વાર આપણી અંદર ઉભરાતી લાગણીઓને દબાવી આપણે સામેવાળા સમક્ષ કોઈ નવી જ વ્યક્તિ તરીકે વર્ત્યા છીએ.. અને કોઈને જરા સરખી જાણ પણ ના થઈ હોય!
પિયરથી સાસરે આવ્યા બાદ કેટલા વખતે સાચેસાચ હસવું આવેલું યાદ છે... અને તોય દરેક સ્ત્રી સાસરીમાં બધાની સામે હસીને વાત કરતી જ દેખાઈ હોય. રિક્ષામાંથી ઉતરતા જ બાજુ વાળા માસી જોડે બેઠેલા સાસુ સામે સુંદર સ્મિત ફરકાવેલું... જરાય પ્રયત્ન વગર પણ દિલ તો પિયરને યાદ કરીને રડતું જ હતું ને..!
સાંજે થાકીને ઘરે આવેલો પતિ હવે બસ આરામ જ કરવો છે એમ વિચારીને વહેલા જમીને આડો પડવા જ જતો હોય અને પત્ની - બાળકો બહાર આઇસ્ક્રીમ ખાવા જવાનો પ્લાન ઘડીને બેઠા હોય ત્યારે એમની સાથે જતા પતિને, પિતાને જોઇને તમને એ થાકેલો હોય એવું લાગ્યું છે ક્યારેય? કેટલી અદભુત એક્ટિંગ!
મારે તો ગરમ, હાલ તવા પરથી ઉતરેલી રોટલી જ જોઈએ એમ કહીને ગમે ત્યારે પત્ની જોડે રોટલી વણાવતા તમે દીકરીને તકલીફ ના પડે એટલે સવારની રોટલી સાંજે પણ વખાણીને ખાતા હો ત્યારે દીકરીને ખબર પડે છે કે પપ્પા એક્ટિંગ કરી રહ્યા છે..!
આખા ગામમાં કોઈ તમારી સામે અવાજ ઊંચો ના કરી શકે પણ તમારા જ પૌત્રો દાદા તમને કંઈ ખબર નથી પડતી કહી ખખડાવી જાય અને તમે હસીને કાન પકડી ઊભા રહો ત્યારે તમે દુનિયાના બેસ્ટ એક્ટર નથી હોતા!
દાળ - શાકમાં મરચું - મીઠું વધારે - ઓછું પડી ગયું હોય ત્યારે દરેક વખતે નવું બહાનું બનાવી એ તો તમે જાણીને જ એમ કરેલું એમ કહેતા હો ત્યારે તમારા ચહેરાની રોનક કોઈ સ્ટેજ પરની હિરોઈન કરતા જરાય ઓછી હોય છે!
ટુંકમાં આપણે સૌ ઉમદા કલાકાર છીએ... આખું વિશ્વ એક રંગમંચ અને આપણે એનું મહત્વનું કિરદાર..?
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ??