રાષ્ટ્રીયઃ ગઇ કાલે લોકસભામાં સવર્ણ અનામતનો ખરડો રજૂ કરાયો હતો જેમાં ભાજપ અને કોંગ્રેસ એકસંપ થઇ જતા આ ખરડાની 323 મતો પડ્યા હતા જ્યારે 3 મતો વિરુદ્ધમાં પડ્યા હતા. જોકે અન્ના દ્રમુકે ખરડો બતાવ્યો ન હોવાનું કારણ ધરીને મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આજે એટલે કે બુધવારે આ ખરડો રાજ્યસભામાં રજૂ કરાશે જેમાં કોંગ્રેસ અને બસપાનું સમર્થન મળી રહેશે તો તેમાં પણ પસાર થઇ જશે.
આંતરરાષ્ય્રીયઃ એક અભ્યાસ અનુસાર હિન્દુઓ અમેરિકામાં ડિગ્રી હાંસલ કરવામાં કેથોલિકને પણ પાછળ છોડી દીધા છે. આ માહિતી પ્યુ રિસર્ચ સેન્ટરના એક અભ્યાસમાં બહાર આવી છે. આ અભ્યાસ માટે 4 વર્ષની કોલેજ ડિગ્રીને આધાર માનવામાં આવ્યો હતો. અમેરિકાના 35 હજાર કોલેજ ગ્રેજ્યુએટને તેમાં સામેલ કરાયા હતા. કોલેજ ડિગ્રીવાળામાં સૌથી વધુ સંખ્યા હિન્દુઓની હતી. તેમનો આંકડો 77%નો હતો. યુનિટેરિયન 67% સાથે બીજા નંબરે છે.
એક્સીડેન્ટલ પ્રાઇમ મિનીસ્ટરઃ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પુસ્તક એક્સીડેનટલ પ્રાઇમ મિનીસ્ટર પર આધારિત ફિલ્મના અભિનેતા અનુપમ ખેર, અક્ષય ખન્ના સહિત 14 સામે બિહારની મુજફ્ફરપુર કોર્ટે એફઆઈઆર નોંધવા આદેશ કર્યો છે. 11 જાન્યુઆરીએ આ ફિલ્મને રિલીઝ થતી રોકવા કોર્ટમાં અરજી થઈ છે. અરજીમાં આ તમામ સામે હિંસા ભડકાવવાના આરોપથી લઈ અપમાનિત કરવાનો આક્ષેપ કરાયો છે. ફિલ્મમાં જીવિત અને મૃત નેતાઓનું જે ચિત્રણ કરાયું છે એ માટે કોઈની મંજૂરી પણ લેવાઈ નથી. આથી પ્રતિબંધ મૂકવો જોઈએ.
રાહુલ-સોનિયા ગાંધીઃ કોંગ્રેસી નેતાણો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ 2011-12માં એસોસિયેટેડ જર્નલ્સ લિમીટેડમાંથી મળેલી આવક અનુક્રમે રૂ. 155.41 કરોડ અને રૂ 154.96 કરોડ કે જે જાહેર કરાઇ હતી અને આકારણી કરાઇ હતી તેનો કર ભરવામાંથી છટકી ગયા હોવાનું તારણ કાઢતા આવકવેરાએ તેમની આવકનું પુનઃમુલ્યાંકન કરવાનો હુકમ કરતા રૂ. 100 કરોડની નોટિસ ફટકારી હોવાના અહેવાલ છે. રાહુલ ગાંધીએ તે આકારણી વર્ષ માટે ફક્ત રૂ. 68.12 લાખ આવક જાહેર કરી હતી.
રામમંદીરઃ સુપ્રીમકોર્ટે મંગળવારે રામ જન્મભૂમિ બાબરી મસ્જીદના કેસની સૂનાવણી માટે માટે એક પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય ખંડપીઠની રચના કરી છે. આ ખંડપીઠનું નેતૃત્ત્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ દ્વારા કરવામાં જેમાં તેમના સહિત ન્યાયમૂર્તિઓ એસ.એ.બોબડે, એન.વી. રમન્ના, યુયુ લલિત અને ડી.વાય.ચંદ્રચૂડનો સમાવેશ થાય છે. આ ખંડપીઠ પોતાનો ચૂકાદો આવતીકાલે 10 જાન્યુઆરીના રોજ સંભળવનાર છે.
જેટ એરવેઝઃ જેટ એરવેઝ પાસેથી લેવાના નીકળતા રૂ. 8000 કરોડની રકમ માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના ધિરાણકર્તાઓ એકત્ર થવાની સાથે મળતા અહેવાલો અનુસાર ધિરાણકર્તાઓ જેટના સર્વેસર્વા નરેશ ગોયલ બોર્ડ પરથી રાજીનામુ આપી દે તેવું ઇચ્છી રહ્યા છે. તો સામે એસબીઆઇ તેના દેવાને ઇક્વિટીમાં રૂપાંતર કરવાનું પણ વિચારતી હોવાનું મનાય છે.
માર્કેટઃ આજે માર્કેટ રૂપિયો, ક્રૂડની હલચલ અને વૈશ્વિક પરિબળો જે કે અમેરિકા-ચીન વચ્ચેની વેપાર વાટાઘાટ પરથી સંકેતો લે તેમ મનાય છે. આજે માર્કેટ પોઝિટીવ નોટ પર વોલેટાઇલ સત્ર દેખાડે તેવી શક્યતા છે. પિવોટ ચાર્ટના અનુસાર નિફ્ટીનું સપોર્ટ લેવલ 10,750 અને ત્યાર બાદ 10,699નું હોવાનુ મનાય છે, જો ઇન્ડેક્સ વધવાનું શરૂ કરે તો રેસિસ્ટન્સ લેવલ 10,836 અને તે તોડે તો 10,869 હોવાનું મનાય છે.
કરચોરીઃ ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલથી ડિસેમ્બરના સમયગાળામાં જીએસટી, સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ ચોરીનો આંક રૂ. 48,555 કરોડ થયો છે, જે છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ છે. આ ગાળા દરમિયાનમાં સેન્ટ્રલ એક્સાઇઝ, સર્વિસ ટેક્સ અને જીએસટીની ચોરીના 8917 કેસ સામે આવ્યા છે એમ રાજ્યકક્ષાના નાણાં પ્રધાન શિવ પ્રતાપ શુક્લએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું.