રાષ્ટ્રીયઃ આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત 2019માં એક ઘટના સૌપ્રથમ યોજાવા જઇ રહી છે કેમ કે વડાપ્રધાન મોદીએ એક વિશિષ્ટ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. ભારતમાં પ્રથમ વખત 18મીના રોજ વાઈબ્રન્ટ ગુજરાતમાં મોદીના અધ્યક્ષ સ્થાને વિશ્વની 10 ટ્રિલિયન ડોલરથી વધુનું ટર્ન ઓવર ધરાવતી 27 કંપનીઓના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરશે. વિશ્વના મોટા મૂડીપતીઓની નજર ગુજરાત તરફ વળે એ માટે આ સૂચક કોન્ફરન્સ હશે.
સીબીઆઇઃ સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્માને છુટ્ટી પર મોકલી દેવાના સરકારના નિર્ણયની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો નિર્ણય આપી શકે છે. સીબીઆઇના ચિફ આલોક વર્મા અને બીજા ક્રમના અધિકારી સ્પેશિયલ ડિરેક્ટર રાકોશ અસ્થાનાએ એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો મુક્યા હતા. તે પછી સરકાર બન્ને અધિકારીને છુટ્ટી પર મોકલી દીધા હતા.
ગુજરાતઃ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જંયતી ભાનુશાલીની હત્યા કરી દેવામાં આવી છે. જયંતી સયાજી નગરી ટ્રેનથી ભૂજથી અમદાવાદ જઈ રહ્યાં હતા તે સમયે માલિયા પાસે કેટલાક શખ્સોએ AC કોચમાં ઘુસીને તેમના પર અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું. જેથી તેમનુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આંતરરાષ્ટ્રીયઃ ચીને ડેટા ટ્રાન્સફરની 5G ટેકનોલોજીથી આગળ નીકળતા 6Gની તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ ભારતે હજુ 4G સાથે જ કામ ચલાવવું પડશે. ભારતીય ટેલિકોમ ઉદ્યોગ પર હાલમાં એક અંદાજ અનુસાર રૂ. 7.80 લાખ કરોડનું કરજ છે, તેમજ 5G કનેક્ટીવિટી માટે 80 ટકા મોબાઇલ ટાવર્સને ઓપ્ટિકલ ફાઇબર્સથી સજ્જ કરવાની જરૂર છે એવામાં 2020-21 પહેલા 5G શરૂ થવાની સંભાવના નથી.
બેન્ક હડતાલઃ ફરી એક વાર ગુજરાતમાં આજે અને આવતી કાલે બેન્કિંગ કાર્યવાહી ખોરવાઇ જશે કેમ કે પોતાની અનેક પડતર માગણીઓ અને દેના બેન્ક, વિજયા બેન્ક અને બેન્ક ઓફ બરોડાના મર્જરના વિરોધ સામે ને લઇને 26 સરકાર હસ્તકની બેન્કોના કર્મચારીઓ હડતાલ પર જવાના છે. મહા ગુજરાત બેન્ક એમ્પ્લોયીઝ એસોસિયેશન (MGBEA)ના એક અંદાજ અનુસાર રાજ્યની સમગ્ર બેન્કોના આશરે 40,000 કર્મચારીઓ આ હડતાલમાં જોડાનાર છે અને આઠ અન્ય વ્યાપારી સંગઠનો સહિત આઇટુક અને ઇન્ટુક દ્વારા અપાયેલી રાષ્ટ્રીય હડતાલને સમર્થન આપશે. જોકે એસબીઆઇના અધિકારીઓ આ હડતાલમાં જોડાશે નહી પરંતુ તેના હેતુને સમર્થન આપતા તેઓ કામ નહી કરે તેવી ખાતરી આપી છે. આમ બેન્કો ખુલ્લી રહેશે પરંતુ કેશ ડિપોઝિટ, ઉપાડ કે ચેક ક્લિયરન્સ થશે નહી.
આરબીઆઇઃ આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસે એનબીએફસીના વડાઓ સાથે મુંબઇમાં મુલાકાત વેળાના એક દિવસ પહેલા જણાવ્યું હતું કે બેન્કોમાં નાણાં ઉમેરવાની બાબત નાણાંનું નુકસાન ન બની જાય તેવી ખાતરી આરબીઆ રાખશે. તેમજ નાણાંનું ઉમેરણ જે બેન્કની જરૂરિયાત કેવી છે તેની પર નિર્ભર કરશે.
હિસ્સા ખરીદીઃ એક મોટા ડેવલપમેન્ટમાં એચડીએફસી ગ્રુપની એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ કંપની ગૃહ ફાઇનાન્સ કોલકાતા સ્થિત બંધ બેન્કમાં મર્જ થશે, જેનાથી પ્રમોટરે રેગ્યુલેટરી નિયમોનું પાલન કરવામાં સરળતા રહેશે. પોતાના એફોર્ડેબલ હાઉસિંગ લોન પોર્ટફોલિયોને વિકસવાવા માટે એચડીએફસીનો સંભવિત હિત સંઘર્ષ પણ ટાળશે. મર્જર બાદ એચડીએફસીનો હિસ્સો ઘટીને 61 ટકા થઇ જશે.
માર્કેટઃ મિશ્ર વૈશ્વિક સંકેતોની વચ્ચે આજે ઇક્વિટી નિર્દેશાંકો ઘટ્યા મથાળે ખુલે તેવી શક્યતા છે, જ્યારે એસજીએક્સ નિફ્ટી 10 પોઇન્ટ નીચામાં ખુલે તેવી શક્યતા છે. દમિયાનમાં આજે અમેરિકા અને ચાઇના વચ્ચે ચાલી રહેલી વાતચીત અને ઓઇલના ભાવની વધઘટ રોકાણકારોના સેન્ટિમેન્ટ્સ પર અસર કરે તેવી શક્યતા છે. તેમજ આરબીઆઇના એનબીએફસીના વડા સાથે બેઠક પર પણ નજર રહેશે.