રાષ્ટ્રીયઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક ન્યૂઝ એજન્સીને આપેલી મુલાકાતમાં મોદી સરકારના કાર્યકાળની સિદ્ધીઓ સહિત દેશના અન્ય મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી. વિવાદીત રામ મંદિર અંગે તેમણે જણાવ્યું હતું કે કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા પછી જ અધ્યાદેશ વિશે વિચાર કરવામાં આવશે. એટલે કે રામ મંદિરનો મુદ્દો જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યાં સુધી મોદી સરકાર તે માટે અધ્યાદેશ લાવશે નહીં.
કાદરખાનનું નિધનઃ નવા વર્ષના પ્રારંભે જ આપણને એક ખરાબ સમાચાર મળ્યા છે. જેમાં અભિનેતા, ડાયલોગ રાઈટર અને સ્ક્રિપ્ટ રાઈટર કાદર ખાનનું સોમવારે 81 વર્ષની ઉંમરે કેનેડામાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા અને 4 માસથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના પુત્ર સરફરાઝે તેમના નિધનની પુષ્ટિ કરી છે. અંતિમવિધિ કેનેડામાં જ કરવામાં આવશે. છેલ્લાં ઘણાં સમયથી તેઓ બીમાર હતા અને છેલ્લાં 15-16 અઠવાડિયાંથી કેનેડાની હોસ્પિટલમાં દાખલ હતા.
એટીએફ પેટ્રોલ કરતા સસ્તુઃ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં થયેલા ઘટાડાને પગલે વિમાનના ઇંધણ એટીએફમાં પણ 14.7 ટકાનો રેકોર્ડ ઘટાડો થયો છે અને તે પેટ્રોલ ડીઝલ કરતા પણ સસ્તુ થઇ ગયું છે. સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જારી કરાયેલ એક નોટિફિકેશન અનુસાર એટીએફની કિંમત કિલોલિટર દીઠ રૂ. 9,990 (14.7 ટકા) સસ્તી થઇને રૂ. 58,060 થઇ ગઇ છે.
આંતરરાષ્ટ્રીયઃ ઉત્તર કોરિયાના તાનાશાહ કીમ જોંગ ઇને નવા વર્ષના ભાષણમાં ધમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે અમેરિકા જો પ્રતિબંધ દૂર કરવા બાબતે નહી વિચારે તો તેઓ રસ્તો બદલી નાખશે. કેમ કે દેશની સુરક્ષા અને હિતો માટે તે આવશ્યક છે. પાછલા વર્ષે 12 જૂનના રોજ કીમ જોંગ ઇન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સિંગાપોરમાં પ્રથમ વાતચીત થઇ હતી. ઉત્તર કોરિયા પરમાણુ કાર્યક્રમ રોકી દેશે તેની સામે અમેરિકા પ્રતિબંધોમાં રાહત આપશે પરંતુ હજુ સુધી તેવું થયું નથી.
બેડલોન્સઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે જણાવ્યું હતું બેડ લોન્સનો ગુણોત્તર પાછલા વર્ષ કરતા સુધર્યો છે અને માર્ચ 2019ના નાણાંકીય પરિણામોમાં તેમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંતા દાસે જોકે જણાવ્યું હતું કે સુધારો થયો હોવા છતાં બેડ લોન્સનું પ્રવર્તમાન સ્તર સાનુકૂળતા કરતા ઘણું ઊંચુ છે.
જીએસટીઃ જીએસટી વસૂલાત ડીસેમ્બર 2018માં ઘટીને રૂ. 94,726 કરોડ થઇ છે, જે અગાઉના મહિનામાં કરાયેલી રૂ. 97,637 કરોડ કરતા ઓછી છે. 30 ડીસેમ્બર 2018 સુધીમાં કુલ ફાઇલ કરાયેલ જીએસટીઆર-3બી અથવા સેલ્સ રિટર્નની સંખ્યા 72.44 લાખ હતી એમ નાણાં મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું.
આત્મહત્યાઃ જામનગરમાં કિસાન ચોકમાં વણિક પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો છે. મોદીના વંડા વિસ્તારમાં રહેતા દીપકભાઇ પન્નાલાલ સાકરીયા, તેની પત્ની આરતીબેન દિપકભાઇ સાકરીયા, દીકરી કુમકુમબેન સાકરીયા, દિકરો હેમંત સાકરીયા અને માતા જયાબેન સાકરીયાએ ઝેરી દવા પી લીધી હતી.
માર્કેટઃ નવા વર્ષના પ્રથમ દિવસે શેરબજારનો 186 પોઇન્ટના વધારા સાથે શાનદાર પ્રારંભ થયો છે. રિઝર્વ બેન્કે તાજેતરમાં જ નિવેદન જારી કર્યું હતું કે એનપીએ ઘટવાની સાથે બેન્કિંગ સેકટર સુધારાના માર્ગે છે તેના કારણે આજે બેન્કિંગ શેરોમાં રેલી જોવા મળી હતી અને તેની આગેવાનીમાં 30 શેરોના બીએસઇ સેન્સેક્સ 186.24 પોઇન્ટના વધારા સાથે 36,254.57ના મથાળે બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી 47.55 પોઇન્ટ વધીને 10,910.10 પોઇન્ટના મથાળે બંધ આવી હતી. એશિયન બજારો ન્યુ યરના કારણે બંધ રહ્યા હતા.