ફરી આંખ કાં સજલ
ગીત લખું કે લખું ગઝલ ..
કોણ ફરી આવીને ઉભું , બંધ કલમના દ્વારે
જીવ પૂછે છે અડધી રાતે ,કોણ હશે અત્યારે ..
આ કોણ કાપતું મઝલ
ગીત લખું કે લખું ગઝલ ...
કોણ ફરી પગલીઓ પાડે ,કાગળના આંગણામાં
નક્કી કોઈ હશે પ્રગટતું ,
કવિ નામના જણમાં...
આ કોણ આટલું સરલ
ગીત લખું કે લખું ગઝલ ...
હું જ લખું છું એ જ વિશે તો ,મનેય પડતો શક
કો'ક લખાવી જાય છે ને ,માનું મારો હક ..
તો થશે કોક દિ ટસલ ?
ગીત લખું કે લખું ગઝલ...