પાંચ ખૂણા, ને બે પછીત ઊભી થઈ,
ધારણા ઘર વિશેની નવી જ ઊભી થઈ.
પાંખમાંથી પ્રગટતી અનંત પીડાઓ,
આંખમાં ઝીલી તો જુદી ચીજ ઊભી થઈ.
સ્વપ્નમાં આવીને શ્વેત અશ્વ હણહણશે,
સાંજ થઈ, ‘ને વળી એ જ બીક ઊભી થઈ.
માગ્યું એકાંત તો આંખ કાન લઈ લીધા,
ચાલવું માંગ્યું તો ઊંડી ખીણ ઊભી થઈ.
મીટ માંડું ને વસ્તી બની જતો વગડો,
શાપવત દ્ર્ષ્ટિની કાળી ચીસ ઊભી થઈ.
કેમ પ્હોંચી શકાશે મુકામ પર એના,
જ્યાં બધી લક્ષ્યસંજ્ઞા અદીઠ ઊભી થઈ.