?એક એકલતા મને તારા સુધી લઈ જાય છે
પણ પછી હું એકલો પાછો ફરી શકતો નથી
તું કહે તો યાર સાતે સાગરો ખેડી શકું
માત્ર તારી આંખમાં સહેજે તરી શકતો નથી.
કાળના ખાલીપણાનો પણ પુરાવો એ જ કે –
કોઈના અવકાશને ક્યારેય ભરી શકતો નથી.
તું જશે તો આ જગત જાણી જશે તારા વગર
હું જીવી શકતો નથી ને હું મરી શકતો નથી.
સ્વપ્ન છું કે અશ્રુ છું બસ આ દ્વિધાને કારણે
બોજ છું પાંપણ ઉપર, તો પણ સરી શકતો નથી.?
– કુમાર જૈમિની શાસ્ત્રી