સવારે દોડતાં દોડતાં ખભે પર્સ ભરાવી ને ઓફીસ જવા નીકળેલી નિશા વિચારતી હતી, કે આજે બહુ ઉતાવળ માં સુરીલ ને હોમવર્ક કરાવવાનું બી રહી ગયું. એને ‘સુખ’ ની વ્યાખ્યા લખાવવાની હતી.કંઈ નહિ, સાંજે ફ્લેટ નીચે ના રાત્રી વ્યાખ્યાન માં સ્વામીજી પાસે લઇ જઈશ. વળી, એ દિવાળી માં ફરવા જવા ની જીદ્દે ચડ્યો છે.
બીતાં બીતાં સર પાસે રજા નો રિપોર્ટ મુક્યો. એમણે આંખો કાઢી ને કહી દીધું ,” રજા નહીં મળે. મારી ગેરહાજરી માં તમારે કેટલું બધું સંભાળવાનું છે .” પણ સર.. “પણ ને બણ.. એમ હોય તો બીજી નોકરી શોધી લો ,સમજ્યા ?”
હતાશ વદને ઘરે આવી ને કામ પતાવ્યાં. ત્યાં કામવાળી આવી ને કહ્યું “બેન, હું દિવાળી માં ૧૦ દિવસ રજા પર છું.” “કેમ ? “ “શું કેમ , ખાલી તમારે જ દિવાળી કરવાની , અમારે નહિ કરવાની ? “ “પણ...” “પણ ને બણ..એમ હોય તો બીજી કામવાળી શોધી લો , સમજ્યા ? “
નીચે રાત્રી વ્યાખ્યાન માં સ્વામીજી કહી રહ્યાં હતા ,” પોતાની રીતે ધાર્યું જીવન જીવવા મળે, તો એને પરમ સુખ કહેવાય.“