બદલો…
અટ્ટહાસ્ય…. ભયાનક અટ્ટહાસ્ય…. કોઈ અસ્થિર.. કોઈ વિચલિત વ્યક્તિ કરે એવું અટ્ટહાસ્ય! પણ ના. તે અસ્થિર પણ નહોતી કે વિચલિત પણ નહોતી. તે ખુશ હતી. ખૂબજ ખુશ. એક પાશવી આનંદ તેના ચહેરા પર ઝળકતો હતો. આજે તેનો બદલો પૂરો થયો હતો.
ત્રણ મહિના… પૂરા ત્રણ મહિના લાગ્યા હતા પોતાના ગુનેગાર ને સજા આપવામાં. બરાબર ત્રણ મહિના પહેલા તે પહેલી વાર બળાત્કાર નો ભોગ બની હતી. બીજો બળાત્કાર થયો હતો આખા ગામ સામે, જ્યારે પંચાયતે ફેંસલો સંભળાવ્યો હતો પોતાના જ ગુનેગાર સાથે ઘર માંડવાનો…
લગ્ન પછી તો છૂટ્ટો દોર મળી ગયો એ ______ ને! બસ નિર્ણય લેવાઈ ગયો. રણનીતિ અમલમાં મૂકી દીધી. દિવસ રાત વાસના ના ખેલ રચાવા માંડ્યા. રીસાયેલી રમણી ઓળઘોળ થતાં એ_______ તો રાજી થઈ ગયો. દોઢ મહિના સુધી રાજીપાનો દોર ચાલ્યો. પછી એક ક્ષણ એવી આવી કે સ્ત્રી ના ઝનૂન ને પુરુષ નો સાથ ન મળ્યો. આ હતી પહેલી જીત.
ત્યાર પછી શરૂ થયા મહેણાં ટોણાં… જે કામ કટાર થી ન થઈ શક્યું તે જીભાન થી થઈ ગયું. તેનો બદલો આજે પૂરો થયો. આજે જ્યારે મેન્ટલ હોસ્પિટલ મા મૂકી ને ઘરે આવી ત્યારે આંતરિક ખુશી અટ્ટહાસ્ય બની બહાર આવી ગઈ…
(માફ કરશો, પણ મને અપશબ્દો આવડતા નથી. પરંતુ આક્રોશ એટલો છે કે અપશબ્દો માટે ખાલી જગ્યા આપી છે. એ જગ્યા ની પૂર્તી વાંચકે જ કરવી રહી. )
અમિષા શાહ _અમી.