રાવણ
શહેરની મધ્યમાં આવેલા વિશાળ મેદાનમાં ખૂબ જનમેદની ભરાઈ હતી. આ મેદનીનો લાભ લઈને અમુક આવારા તત્વો છોકરીઓના શરીરને સ્પર્શ કરી રહ્યા હતા. કોઈનું ધ્યાન આ તરફ ન હતું. છોકરીઓ મૂંગા મોઢે લાચારીથી આ સહી રહી હતી. પણ દૂર ખૂબ ઊંચાઈએ રહેલું રાવણનું પૂતળું આ જોઈ રહ્યું હતું. અચાનક 'જય શ્રી રામ' ના નારા સંભળાવા લાગ્યા. રામે હાથમાં ધનુષ્ય હાથમાં લીધું ત્યાં રાવણનું પૂતળું બોલી ઊઠ્યું, '' હે રામ ! મને બાળવાથી રાવણ નહીં મરે. રાવણ એક વૃત્તિ છે જે ઘણામાં હજુ જીવે છે પણ દર વર્ષની જેમ રામે તેની તરફ સળગતું તીર છોડયું. પૂતળું ભડભડ કરતાં સળગવા લાગ્યું. હજારોની મેદનીની સાથે હાજર કેટલાય 'રાવણો' બોલી ઊઠ્યા, '' જય શ્રી રામ''.