#kavyotsav
પ્રેમ અને મૌસમની બબાલ
લે, આજે તો મૌસમ અને પ્રેમ વચ્ચે જબરી બબાલ થઈ;
બન્નેમાંથી ચઢિયાતું કોણ એવી જાણે કે હરીફાઈ થઈ!
મૌસમે સમુદ્રની લહેરોનાં સંગીત સાથે
અને સુરીલા પવનના તાલ સાથે
કરી રજૂ પોતાની વાત;
મૌસમ કહે, 'હું ચઢિયાતી
શરદ ઋતુમાં જો ને પ્રેમ સોળે કળાએ ખીલે
ને ત્યારે જ તો પ્રકૃતિ કેવી હિલોળે ચડે!
લોકોને જુદી જુદી ઋતુમાં નવીનતા મળે.
ક્યારેક વરસાદ તો ક્યારેક શિયાળો,
તો ક્યારેક તાપ વરસાવતો આકરો ઉનાળો.
માનવજીવનમાં કેટલી ભિન્નતા મળે
અને જુદા જુદા પરિવર્તનનો લાભ મળે.
મારા વગર કેવી પ્રેમની પરિભાષા?
અને આમ કહીને મૌસમ અભિમાનમાં ફુલાવા લાગી.
તો પ્રેમ થોડો કંઈ ઓછો જાય ગાજયો?
તેણે પણ લાગણીઓની સાથે,
મિલનની અધિરાઈની સાથે
કરી પોતાની વાત, 'હું જ તો માણસના માણસ સાથેના સંબંધોનો પાયો છું;
હું જ તો માનવજીવનની સાર્થકતાનો ધ્યેય છું.
ખુશીઓને વહેંચતા અને દુઃખને સહેતા શીખવાડું છું.
મારી ગેરહાજરીમાં સૃષ્ટિ કેવી ભાસે?
જાણે કે ધોધમાર વરસાદમાં પણ દુષ્કાળ લાગે!'
ને આમ કહી પ્રેમ લાગ્યો મૂછને તાવ દેવા.
કોઈ હાર માને નહીં,
કોઈના સમજાવે સમજે નહીં,
ને કોઈનું કીધું કરે નહીં.
આમને આમ તો બંને એકબીજાથી રિસાણા.
લીધા એકમેકના અબોલા.
આખરે વડીલ સમયે બન્નેને ટપાર્યા,
'કાં તમે આમ કરો?
કાં તમે આમ લડો?
છે તમને કોઈ ભાન?
કાં તમે આમ મૂર્ખાઈ કરો?
આપણે તો છીએ શ્રુષ્ટિના આધાર,
તમારી લડાઈમાં બીજા હેરાન થાય.
છે તમને કંઈ ખબર?
છે તમને એની કદર?
આમ ને આમ કેટલીય મથામણ ચાલી,
આખરે સમયની સમજાવટ કામ લાગી.
મૌસમ ચડી હિલોળે ને આવ્યો ધોધમાર વરસાદ,
અને શ્રુષ્ટિના કણેેકણમાં સર્જાયું પ્રેમનું સામ્રાજ્ય!
✍પ્રિતેશ હિરપરા 'મિત્ર'