#Kavyotsav
પપ્પા આજે મૌન છે
પપ્પા ચોકલેટ લાવતા
એક મારી અને એક મારી મોટી બેન માટે
પપ્પા ચોકલેટ બતાવીને કહેતા –
‘પહેલાં તું લઇ લે.’
હું બધી જ લઇ લેતી.
પપ્પા કપડા લાવતા, સરસ સરસના
મારા માટે અને બહેન માટે
મને કહે –
‘તને જે પસંદ હોય તે તું લઇ લે.’
હું બંને લઇ લેતી.
પપ્પા પણ હસીને કહેતા –
‘મારી દીકરીને બધું જ બબ્બે જોઈએ.’
મારે ભાઈ પણ બે જ છે હો.
આતો બહુ પહેલાની વાત થઈ
આજે પણ એ આદત ગઈ નથી હો.
પણ આજે પરિસ્થિતિ બદલાઈ છે.
આજે પપ્પાની જગ્યા પર મોટા ભાઈ કહે છે મને –
‘કાંતો પરિવાર રાખ નહિ તો પ્રેમ રાખ, કોઈપણ એક.’
આજે હું કેમ કહું – ‘મારે તો બંને જોઈએ ?’
આજે પરિવારે મને જ વસ્તુ બનાવી દીધી છે
વસ્તુ માફક આજે હું પરિવાર પાસે રહી શકું અથવા પ્રેમ પાસે.
મારી કોઈ ઈચ્છાઓ, સ્વપ્નાઓ, ખુશીઓનું કોઈ સ્થાન નથી.
પપ્પા આજે મૌન છે, કહેતા નથી કે –
‘આને તો બધું જ જોઈએ છે ?’
અને મારી આંખોમાં ખરતા તારાઓ અને તેની રાખ.
- નવ્યાદર્શ
ઈમેલ : navyadarsh67@outlook.com